વીજ કટોકટી સર્જાતા AMCની મહત્વપૂર્ણ જાહેરાત
અમદાવાદમાં દિવાળી રોશની પર કાપ, રાજકોટમાં લેવાશે નિર્ણય?
રાજકોટ કોર્પોરેશન દ્વારા પાંચ દિવસનો દિવાળી કાર્નિવલ કાર્યક્રમ જાહેર : લાઇટીંગ ઓછી કરવા અને સમય પણ ઘટાડવા સત્તાધીશો લઇ શકશે મહત્વપૂર્ણ નિર્ણય? શહેરીજનોમાં મનપા સામે ઉઠતા સવાલો
અગ્ર ગુજરાત, રાજકોટ
દિવાળીના તહેવાર દરમિયાન ઝગમગાટ માટે જાણીતા અમદાવાદની ચમક આ વર્ષે થોડી ઓછી જોવા મળશે. રાજ્યમાં વીજસંકટને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ શહેરમાં દિવાળીની રોશનીમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો હોવાની માહિતી સામે આવી છે. દર વર્ષે શહેરનાં અંદાજે 118 સ્થળોએ લાઇટિંગ કરવામાં આવતું હતું, પરંતુ આ વખતે માત્ર સાત સ્થળોએ જ રોશની કરાશે. એટલું જ નહીં, લાઇટિંગનો સમય પણ ઘટાડીને રાત્રે 7થી 1 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. રાજકોટમાં પણ મનપા દ્વારા પાંચ દિવસનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં વીજ સંકટથી લેવાયેલો નિર્ણય રાજકોટના સત્તાધીશો લઇ શકશે તેવા સવાલો શહેરીજનોમાં ઉઠી રહ્યા છે.
AMCની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલના જણાવ્યા અનુસાર, આ વર્ષે સાબરમતી નદી પરના સુભાષબ્રિજ સિવાયના છ બ્રિજ અને નગરદેવી ભદ્રકાળી મંદિર સહિત કુલ સાત સ્થળોએ લાઇટિંગ કરવામાં આવશે. અગાઉ બ્રિજ ઉપરાંત ટ્રાફિક સર્કલ, અંડરપાસ અને સરકારી ઇમારતો પર પણ રોશની કરવામાં આવતી હતી. જોકે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વખતે અન્ય સ્થળોએ વિશેષ લાઇટિંગ નહીં કરવામાં આવે તેવી માહિતી આપવામાં આવી છે.
અગાઉ દિવાળીના દિવસોમાં લાઇટિંગ સાંજે 7 વાગ્યાથી બીજા દિવસે સવારે 7 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવતું હતું. એટલે કે, દરરોજ 12 કલાક સુધી શહેરના પસંદગીના વિસ્તારો ઝગમગતા રહેતા હતા. આ વર્ષે લાઇટિંગનો સમય ઘટાડીને સાંજે 7થી રાત્રે 1 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. આમ, રોશનીનો સમય દરરોજ 12 કલાકથી ઘટીને માત્ર 6 કલાકનો રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયરશ્રી દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ.હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષ ભટ્ટ એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના જીવનમાં આનંદ, ઉમંગ અને ઉત્સાહના રંગો ઉમેરવા તથા દીપોત્સવીના પર્વને યાદગાર બનાવવા માટે તા.૬ થી ૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન વિવિધ આકર્ષક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રકાશના પર્વ દિવાળીની પરંપરાગત ઉજવણીને આધુનિક મનોરંજન, સાંસ્કૃતિક અભિવ્યક્તિ અને ઉત્સવના અદભૂત વાતાવરણ સાથે જોડવાના હેતુથી તૈયાર કરવામાં આવેલા આ કાર્યક્રમો રાજકોટવાસીઓ માટે વિશેષ આકર્ષણરૂપ બનશે.
દિવાળી એ માત્ર દીપ પ્રગટાવવાનો તહેવાર નથી, પરંતુ પરસ્પર પ્રેમ, સ્નેહ, એકતા, ખુશીઓ અને નવી આશાઓની આપ-લે કરવાનો ઉત્સવ છે. આ પર્વને વધુ આનંદમય અને ઉત્સવસભર બનાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ સ્થળોએ રોશની, ફૂડ ફેસ્ટિવલ, લેસર શો, આતશબાજી, રંગોળી સ્પર્ધા અને કાર્નિવલ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો દ્વારા નાગરિકો અને તેમના પરિવારજનોને દિવાળીની રજાઓ દરમિયાન આનંદદાયક વાતાવરણમાં એકસાથે ઉત્સવની અનેરો ઉજવણી કરવાનો અવસર પ્રાપ્ત થશે તેવું જણાવ્યું છે. પરંતુ વીજ કટોકટીમાં આવો જલસો કેટલો યોગ્ય? તેવા સવાલો લોકો અને વિપક્ષ પૂછી રહ્યો છે.
રાજકોટ દિવાળી કાર્નિવલની હાઇલાઇટસ
(૧) તા.૬ નવેમ્બર, શુક્રવાર – ધનતેરસના દિવસે સાંજે ૦૬:૦૦ કલાકે રેસકોર્ષ રિંગ રોડ ફરતે દિવાળી કાર્નિવલ રોશનીનો શુભારંભ
(૨) તા.૬ નવેમ્બર, શુક્રવાર – ધનતેરસના દિવસે સાંજે ૦૬:૦૦ કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ફૂડ ફેસ્ટિવલનો શુભારંભ (ફૂડ ફેસ્ટિવલ પાંચ દિવસ સુધી ચાલુ રહેશે)
(૩) તા.૬ નવેમ્બર, શુક્રવાર – ધનતેરસના દિવસે સાંજે ૦૭:૦૦ કલાકે ભવ્ય આતશબાજી અને લેસર શો
(૪) તા.૭ નવેમ્બર, શનિવાર – કાળી ચૌદસ નિમિત્તે રંગોળી સ્પર્ધા અને છ ફ્લોટ સાથે ટેબ્લો કાર્નિવલનું ઉદ્ઘાટન (ટેબ્લો કાર્નિવલ તા.૭ અને ૮ નવેમ્બર, ૨૦૨૬ એમ બે દિવસ સુધી યોજાશે.)


