રાજકોટ શહેર કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો દિલ્હી મહારેલીમાં જોડાયા
રામલીલા મેદાન ખાતે ‘વોટ બચાવો, દેશ બચાવો’ મહારેલીમાં રાજકોટનો અવાજ બુલંદ બન્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
દેશના બંધારણ, લોકશાહી અને નાગરિકોના મતાધિકારના રક્ષણ માટે આદરનિય રાહુલ ગાંધી જી ના આહ્વાન પર નવી દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાયેલી ‘વોટ બચાવો, દેશ બચાવો’ મહારેલીમાં રાજકોટ શહેર કોંગ્રેસની ટીમે ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાની આગેવાનીમાં શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દિલ્હીના રામલીલા મેદાન ખાતે ઉપસ્થિત રહી લોકશાહીના રક્ષણ માટે પોતાનો મક્કમ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ મહારેલીનો મુખ્ય ઉદ્દેશ દેશના બંધારણીય મૂલ્યોનું જતન, લોકશાહીની મજબૂતી અને દરેક નાગરિકના મતાધિકારની સુરક્ષા માટે જનજાગૃતિ ફેલાવવાનો હતો. લોકશાહીમાં મત એ માત્ર અધિકાર નથી, પરંતુ દેશના ભવિષ્યને ઘડવાની જનતાની સૌથી મોટી તાકાત છે. આ તાકાતને કોઈપણ રીતે નબળી પાડવાના પ્રયાસો સામે અવાજ ઉઠાવવો એ દરેક લોકશાહીપ્રેમી નાગરિકની જવાબદારી છે.
રાજકોટ શહેર કોંગ્રેસની ટીમે આ મહારેલીમાં જોડાઈને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે લોકશાહી, બંધારણ અને જનતાના મતાધિકારના રક્ષણની લડાઈમાં કોંગ્રેસનો સંઘર્ષ અટકવાનો નથી. દેશના નાગરિકોના લોકશાહી અધિકારોનું જતન થાય અને ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે જનતાનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે કોંગ્રેસ પક્ષ સતત અવાજ ઉઠાવતો રહેશે.
રામલીલા મેદાન ખાતે યોજાયેલી આ મહારેલીમાં રાજકોટ શહેર કોંગ્રેસની ઉપસ્થિતિએ લોકશાહી બચાવવાના રાષ્ટ્રીય અભિયાન પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી હતી.


