શેરબજારમાં નુકસાન અને બેકારીથી કંટાળી મવડીના યુવાનનો આપઘાત
દુબઈની રિફાઈનરીમાં નોકરી કરતા પ્રકાશભાઈ કોરોના બાદ રાજકોટ પરત આવ્યા હતા; મુરલીધર સોસાયટીમાં ઝેરી પાવડર પીધા બાદ સિવિલમાં અંતિમ શ્વાસ લીધા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના મવડી વિસ્તારમાં આર્થિક સંકડામણ અને શેરબજારમાં થયેલા નુકસાનના કારણે એક યુવાનનું જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે. મુરલીધર સોસાયટીમાં રહેતા 40 વર્ષીય પ્રકાશભાઈ ગોંડલીયાએ ઘરે ઝેરી પાવડર પી લેતાં તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર કારગત નીવડી નહોતી અને વહેલી સવારે તેમનું મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
મળતી માહિતી મુજબ, મવડી 40 ફૂટ રોડ પર પટેલનગર પાસે આવેલી મુરલીધર સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ વલ્લભભાઈ ગોંડલીયા (ઉ.વ.40)એ ગત 31મીએ બપોરના સમયે ઘરે સેલ્ફોસ નામનો ઝેરી પાવડર પી લીધો હતો. બનાવની જાણ થતાં પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પરિવારજનોના જણાવ્યા મુજબ, પ્રકાશભાઈ અગાઉ દુબઈમાં રિફાઈનરી કંપનીમાં નોકરી કરતા હતા. જોકે, કોરોના સંક્રમણ બાદ તેમની તબિયત લથડતાં કંપનીએ તેમને નોકરીમાંથી દૂર કર્યા હતા. ત્યારબાદ તેઓ રાજકોટ પરત આવી ગયા હતા. અહીં કોઈ સ્થાયી રોજગાર ન મળતાં તેઓ બેકારી અને આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. આ ઉપરાંત શેરબજારમાં પણ તેમણે નાણાં ગુમાવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. આર્થિક ભીંસ અને રોજગારના અભાવે તેઓ માનસિક તણાવમાં રહેતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
પ્રકાશભાઈ બે ભાઈ અને એક બહેનમાં નાના હતા અને સંતાનમાં એક પુત્રી છે. પરિવારના આધારસમાન વ્યક્તિના અચાનક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.


