વેરાવળમાં ‘કર્તવ્ય એક વિચારધારા’ સંસ્થાનું ભવ્ય રીલોન્ચિંગ
રાત્રી સફાઈ અભિયાનના કર્મચારીઓ અને પોલીસ જવાનોને સન્માનિત કરાયા
અગ્ર ગુજરાત, વેરાવળ
સેવા, સમર્પણ અને સમાજ પ્રત્યેની જવાબદારીના ઉમદા વિચાર સાથે વેરાવળ ખાતે ‘કર્તવ્ય એક વિચારધારા – વેરાવળ’ સંસ્થાનું ભવ્ય રીલોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મંગળવાર, તા. 3 નવેમ્બર 2026ના રોજ સાંજે 7 વાગ્યે સુભાષ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે યોજાયેલા આ કાર્યક્રમમાં વેરાવળ નગરપાલિકાના રાત્રી સફાઈ અભિયાનમાં કાર્યરત કર્મચારીઓ તેમજ પોલીસ તંત્રની અવિરત સેવાઓને બિરદાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
સમાજમાં સ્વચ્છતા જાળવવા માટે દિવસ-રાત મહેનત કરતા સફાઈ કર્મચારીઓ અને નાગરિકોની સુરક્ષા માટે સતત ફરજ બજાવતા પોલીસ જવાનોની કામગીરીને પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘણીવાર પડદા પાછળ રહીને શહેરની સ્વચ્છતા અને સુરક્ષા માટે પોતાની ફરજ નિભાવતા કર્મચારીઓના યોગદાનને જાહેરમાં બિરદાવવાનો પ્રયાસ આ કાર્યક્રમના માધ્યમથી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન તરીકે મુકેશભાઈ ચોલેરાએ જવાબદારી નિભાવી હતી. તેઓ સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી તેમજ રેલવે કન્સલ્ટન્ટ કમિટીના સભ્ય છે.
કાર્યક્રમમાં વેરાવળ નગરપાલિકાના પ્રમુખ નરેશભાઈ ગોહેલ, ઉપપ્રમુખ હેમીબેન જેઠવા, કારોબારી ચેરમેન ઉદયભાઈ શાહ, ચીફ ઓફિસર, રીતેશભાઈ ફોફંડી, પીઆઈ જે.એન. ગઢવી સહિતના રાજકીય અને સામાજીક આગેવાનો તેમજ પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રસંગે સફાઈ કર્મચારીઓ અને પોલીસ તંત્રના કર્મચારીઓની સેવાઓને બિરદાવવામાં આવી હતી. સમાજના સુચારુ સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા આવા કર્મયોગીઓનું સન્માન કરીને તેમના ઉત્સાહ અને મનોબળમાં વધારો કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.


