૯ કિલો ગાંજા સાથે પકડાયેલા બે મહિલા સહિત ત્રણ આરોપીઓનો નિર્દોષ છુટકારો
રાજકોટ સેશન્સ અદાલતનો ચુકાદો: પોલીસ આરોપીઓ સામે ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહી હોવાથી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
આશરે ૯ કિલો જેટલા માદક પદાર્થ (ગાંજા) સાથે પકડાયેલા બે મહિલાઓ અને એક પુરુષ સહિત કુલ ત્રણ આરોપીઓ સામેનો કેસ રાજકોટની સેશન્સ અદાલતમાં ચાલી જતા, અદાલતે ત્રણેય આરોપીઓ સામે ગુનો સાબિત થતો ન હોવાનું ઠેરવીને તેમને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, તા.૪/૮/૨૦૧૯ના રોજ સવારના સમયે તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વી. કે. ગઢવીને ચોક્કસ બાતમી મળી હતી કે ગોંડલનો સદામ અશરફભાઈ તૈલી (ઉર્ફે કચ્ચુ મેમણ) તથા નસીમાબેન અશરફભાઈ શેખ અને મુમતાઝબેન યુનુસભાઈ જાનવાણી માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈને પુનીત સોસાયટી મેઈન રોડ પર આવેલા સુતા હનુમાનવાળી શેરી નજીકથી પસાર થવાના છે.
બાતમીમાં આરોપીઓના કપડાં અને વર્ણન આપેલ હોવાથી પી.આઈ. ગઢવીએ તાત્કાલિક રીપોર્ટ તૈયાર કરી મદદનીશ પોલીસ કમિશ્નર પૂર્વ વિભાગને મોકલી આપ્યો હતો. ત્યારબાદ બે પંચોને સાથે રાખીને પોલીસ સ્ટાફે સવારે ૧૦:૧૫ વાગ્યાના સુમારે જંગલેશ્વર તરફથી આવતા રસ્તે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબના શંકાસ્પદ સ્ત્રી-પુરુષ આવતા જ પોલીસે તેમને ઘેરી લીધા હતા. પોલીસે કલમ-૫૦ મુજબની કાનૂની સમજ આપી, એફ.એસ.એલ. (FSL) અધિકારી અને વજન કાંટાવાળાને સ્થળ પર બોલાવ્યા હતા.
તપાસ દરમિયાન સદામ તૈલી પાસેથી ૫.૧૦૦ કિલો ગ્રામ ગાંજો કબ્જે કરવામાં આવ્યો હતો. નસીમાબેન શેખ પાસેથી ૪.૭૦૦ કિલો ગ્રામ ગાંજો કબ્જે કરવામાં આવ્યો હતો. આ જથ્થામાંથી સેમ્પલ લઈને પૃથ્થકરણ અર્થે FSL ખાતે મોકલવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન જંગલેશ્વર વિસ્તારમાં રહેતા મુમતાઝબેન જાનવાણીની સંડોવણી ખુલતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.
આ કેસ રાજકોટની સેશન્સ અદાલતમાં ચાલવા પર આવતા, બંને પક્ષોની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓની ચકાસણી કરવામાં આવી હતી. અંતે, સેશન્સ અદાલતે નિરીક્ષણ કર્યું હતું કે પોલીસ પક્ષ આરોપીઓ સામેનો ગુનો શંકાથી પર સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે. પરિણામે, અદાલતે સદામ તૈલી, નસીમાબેન શેખ અને મુમતાઝબેન જાનવાણીને તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત કરવાનો હુકમ ફરમાવ્યો છે.


