ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ‘પર્યાવરણ સમિતિ’ ની રચના: કિરીટ ભીમાણીની પ્રમુખપદે વરણી
સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ (જામનગર)ના માર્ગદર્શન હેઠળ પ્રકૃતિ પ્રેમીઓની ટીમ કરાઈ જાહેર
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ દ્વારા “સેવા – સમર્પણ – પરિવર્તન” ના ધ્યેય સાથે સમાજના આર્થિક, સામાજિક અને ધાર્મિક વિકાસની સાથે-સાથે હવે પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે એક અનોખી પહેલ કરવામાં આવી છે. સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ લાલ (જામનગર) ના માર્ગદર્શન હેઠળ ‘ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ’ અંતર્ગત ‘પર્યાવરણ સમિતિ’ ની રચના કરવામાં આવી છે, જેમાં પર્યાવરણ સમિતિના પ્રમુખ તરીકે કિરીટ ભીમાણીની સત્તાવાર વરણી કરવામાં આવી છે.
સમર્પિત પ્રકૃતિ પ્રેમીઓની ટીમની નિમણૂક છેલ્લા દસથી પંદર વર્ષથી સતત પર્યાવરણ સંરક્ષણ માટે કાર્ય કરી રહેલા રઘુવંશી સમાજના ઉત્સાહી અને પ્રકૃતિ પ્રેમી મિત્રોને આ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં નિલેશ ઠક્કર, સોનલ વસાણી, યોગેશ તન્ના, જય ઠક્કર, હેમંત ઠક્કર, ડૉ. રોહન ઠક્કર, યોગેશ પોપટ, પ્રહલાદ પૂજારા, કિરીટ મજીઠીયા, ગૌરવ ઠક્કર, તેજસ વાજાણી, રાજુભાઈ ઠક્કર, રોનક ઠક્કર, હર્ષ લાખાણી, ભાર્ગવભાઈ મજીઠીયા, પુરુષોત્તમભાઈ ઠક્કર, નીતિનભાઈ છગ અને ડૉ. નીલ રાજાણી વગેરે પર્યાવરણ સંરક્ષકોની નિમણૂક કરાઈ છે. આગામી સમયમાં આ સમિતિમાં અન્ય હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવશે.
પર્યાવરણ બચાવવા માટેના ભગીરથ અભિયાનો શ્રી લોહાણા મહાપરિષદના નેજા હેઠળ આ ટીમ દ્વારા સમગ્ર રઘુવંશી સમાજ તથા પર્યાવરણ પ્રેમીઓના સહકારથી અગાઉ પણ અર્થ અવર (૨૦૧૬-૨૦૨૫), વૃક્ષો વાવો ધરતી બચાવો (૨૦૧૬-૨૦૨૬), પાણી બચાવો જીવન બચાવો, તિલક હોળી, વાવનું જતન જળનું સિંચન, નો યોર ઇ-વેસ્ટ એન્ડ રિસાઇકલ, સે નો ટુ પ્લાસ્ટિક (ક્લોથ બેગનું વિતરણ), રઘુવંશી ગ્રીન કોન્ટ્રિબ્યુટર સ્પર્ધા અને લોહાણા ગ્રીન વોરિયર્સ સર્ટિફિકેટ વિતરણ, એક પેડ શ્રી રામ કે નામ, અન્ન બચાવો જીવન બચાવો પર્યાવરણ બચાવો જેવા અનેકવિધ જાગૃતિ અભિયાનો સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યા છે.
ગ્લોબલ વોર્મિંગ સામે લડવાનો સંકલ્પ આગામી સમયમાં ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાને નાથવા માટે “થોડામાં ઘણું” અને “ટીપે ટીપે સરોવર ભરાય” તેવી ભાવના સાથે આ ભગીરથ કાર્ય સતત ધબકતું રાખવા અને પર્યાવરણ સંરક્ષણના પ્રમાણિક પ્રયાસો ચાલુ રાખવાનો નિર્ધાર આ સમિતિ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.


