રાજકોટમાં ‘દીન દુનિયા કી લોંગ જર્ની’ (DDLJ – 3)નું સ્વાગત
મુંબઈના પ્રખ્યાત કન્ટેન્ટ ક્રિએટર યુસુફ કાંચવાલા (YTK007) અને તેમના પિતા તાહેરભાઈ કાંચવાલા ‘ઉકાબ કાર’ દ્વારા ૫૨ શહેરો-ગામોના ઐતિહાસિક ઝિયારત પ્રવાસ અંતર્ગત મંગળવારે રાજકોટ આવી પહોંચ્યા હતા
અગ્ર ગુજરાત, રાજકોટ
૫૨ શહેરોમાં દુઆત મુતલકીન અને હુદૂદ ફોઝોલા ઝિયારત ટૂર (દીન દુનિયા કી લોંગ જર્ની – ૩) અંતર્ગત પ્રવાસે નીકળેલા મુંબઈના યુસુફ કાંચવાલા અને તેમના સન્માનનીય પિતા તાહેરભાઈ કાંચવાલાનું મંગળવારે રાજકોટ ખાતે આગમન થયું હતું. તેમના આગમનને વધાવવા માટે અનેક શુભેચ્છકો અને સમાજના લોકો ઉમટી પડ્યા હતા અને હૂંફભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ સ્નેહ, ખુશી અને એકતાની ભાવનાથી છલકાઈ ઉઠ્યું હતું. ઉપસ્થિત સૌએ આ પ્રેરણાદાયી યાત્રા અપાર સફળતા અને અવિસ્મરણીય યાદો સાથે આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
આ યાત્રા ભારતભરમાં ૪,૫૦૦ થી વધુ કિલોમીટરનું અંતર કાપશે, જેમાં ૫૨ જેટલા ગામો અને શહેરોમાં આવેલા ઐતિહાસિક ઝિયારત અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં આવશે. મહારાષ્ટ્રથી શરૂ થઈને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પરત મહારાષ્ટ્ર સુધીની આ ૨૦ દિવસની યાત્રા શ્રદ્ધા, શોધ અને જોડાણનું અનોખું સંગમ છે.
યુસુફ કાંચવાલા એક જાણીતા કન્ટેન્ટ સર્જક, સમર્પિત પિતા, ઉત્સાહી બાઇકર અને વાર્તાકાર છે. તેઓ પોતાના વ્લોગ્સ અને સોશિયલ મીડિયાના માધ્યમથી રસ્તા પરના વાસ્તવિક અનુભવો, પિતૃત્વની અર્થપૂર્ણ ક્ષણો અને આધ્યાત્મિકતા સાથેના ઊંડા જોડાણને લોકો સમક્ષ રજૂ કરે છે. નોંધનીય છે કે, આ અગાઉ પણ તેઓ બાઇક દ્વારા ભારતભરમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે યાત્રાઓ કરી ચૂક્યા છે. યુસુફભાઈ જોહર કાર્ડવાળાએ આ પ્રવાસની વિશેષતાઓ અંગે માહિતી આપી હતી.
મુંબઈથી શરૂ થયેલી આ યાત્રા ગુજરાત (મધ્ય અને દક્ષિણ)ના મઝારે માઈ સાહેબા (દાંડી), સુરત, ભરૂચ, બરોડા, ગોધરા, બાલાસિનોર, ઉમરેઠ, કપડવંજ, અમદાવાદ, ખંભાત, પીસાવાડા, રાણપુર. સૌરાષ્ટ્ર અને કચ્છના અમરેલી, જેતપુર, સરધાર, રાજકોટ, ગનીપીર, કાલાવડ, જામનગર, ધ્રોલ, મોરબી, ધ્રાંગધ્રા, અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ. ઉત્તર ગુજરાતના રાધનપુર, હસનપીર, સેલાવી, ધીનોજ, સિદ્ધપુર. રાજસ્થાનના ઉદયપુર, ભિંડર, સલુમ્બર, ગલિયાકોટ, નોગામા, બાંસવાડા, ઘાટોલ, પ્રતાપગઢ, છોટી સાદરી, પરદા. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કુકરેશ્વર, રામપુરા, મંદસૌર, જાવરા, રતલામ, ઉજ્જૈન, શાજાપુર, કમલાપુર, બુરહાનપુર, ઔરંગાબાદ, ડોનગાંવ, અહેમદનગર અને અંતિમ તબક્કામાં મુંબઈ ખાતે યાત્રા સંપન્ન થશે.


