UGC દ્વારા 3૨ બોગસ યુનિવર્સિટીઓની યાદી જાહેર, ગુજરાતમાં તમામ માન્યતાવાળી
સૌથી વધારે દિલ્હીમાં ૧૦ અને ઉત્તરપ્રદેશમાં ચાર સંસ્થા, છાત્રો માટે ગાઇડલાઇન જાહેર
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
દેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી પસંદ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. સારી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરીને ડિગ્રી મેળવવાનું દરેક વિદ્યાર્થીનું સપનું હોય છે, પરંતુ કેટલીક સંસ્થાઓ માન્યતા વિના ડિગ્રી આપતી હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે.
આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓનું વર્ષ અને મહેનત બંને બરબાદ થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનએ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મહત્વપૂર્ણ જાહેર સલાહ આપી છે.
UGCએ વિદ્યાર્થીઓને કોઈપણ યુનિવર્સિટીમાં પ્રવેશ લેતા પહેલાં તેની કાયદેસર માન્યતા અને ડિગ્રી આપવાની સત્તા અંગે તપાસ કરવાની અપીલ કરી છે. કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતીમાં દેશની 32 નકલી યુનિવર્સિટીઓનાં નામ પણ સામેલ કરવામાં આવ્યાં છે. આ યાદીમાં દિલ્હી સહિત વિવિધ રાજ્યોની સંસ્થાઓનો સમાવેશ થાય છે.
UGCનું કહેવું છે કે માત્ર કોઈ સંસ્થાની વેબસાઇટ, જાહેરાત, સોશિયલ મીડિયા પોસ્ટ કે આકર્ષક બ્રોશર જોઈને પ્રવેશ લેવાનો નિર્ણય ન કરવો જોઈએ. ઘણી વખત સંસ્થાઓ પોતાની ઓળખ અને અભ્યાસક્રમો અંગે એવા દાવા કરે છે, જેની વાસ્તવિકતા તપાસવી જરૂરી હોય છે.
ખાસ કરીને ધોરણ 12 પછી કોલેજમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓએ વધારે સાવચેતી રાખવી જોઈએ. કોઈપણ યુનિવર્સિટીમાં ફી ભરતાં પહેલાં તેની માન્યતા, અભ્યાસક્રમ અને ડિગ્રી આપવાની સત્તા અંગે સંપૂર્ણ માહિતી મેળવી લેવી જરૂરી છે.
યુજીસી દ્વારા જાહેર કરેલ નકલી યુનિવર્સિટીઓમાં આંધ્ર પ્રદેશની ક્રાઇસ્ટ ન્યૂ ટેસ્ટામેન્ટ ડીમ્ડ યુનિવર્સિટી, બાઇબલ ઓપન યુનિવર્સિટી ઓફ ઇન્ડિયા, અરુણાચલ પ્રદેશની – ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિન, દિલ્હીની વર્લ્ડ પીસ ઓફ યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ એન્જિનિયરિંગ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એન્ડ ફિઝિકલ હેલ્થ સાયન્સિસ, કોમર્શિયલ યુનિવર્સિટી લિમિટેડ, યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટી, પ્રોફેશનલ યુનિવર્સિટી, એડીઆર-ફોકસ્ડ જ્યુડિશિયલ યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, વિશ્વકર્મા ઓપન યુનિવર્સિટી ફોર સેલ્ફ-એમ્પ્લોયમેન્ટ, આધ્યાત્મિક વિશ્વવિદ્યાલય, હરિયાણાની મેજિક એન્ડ આર્ટ યુનિવર્સિટી, ઝારખંડની દક્ષ યુનિવર્સિટી, કર્ણાટકની સર્વ ભારતીય શિક્ષા પીઠ, ગ્લોબલ હ્યુમન પીસ યુનિવર્સિટી, કેરળની ઇન્ટરનેશનલ ઇસ્લામિક યુનિવર્સિટી ઓફ પ્રોફેટિક મેડિસિન, સેન્ટ જોન્સ યુનિવર્સિટી
મહારાષ્ટ્રની, રાજા અરેબિક યુનિવર્સિટી, રાષ્ટ્રીય પછાત કૃષિ વિદ્યાપીઠ, નવી દિલ્હીની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સોલ્યુશન્સ, માઉન્ટેન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી, પુડુચેરીની, ઉષા લચ્ચુમનન કોલેજ ઓફ એજ્યુકેશન, શ્રી બોધિ એકેડમી ઓફ હાયર એજ્યુકેશન, રાજસ્થાનની રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ, ઉત્તર પ્રદેશની ગાંધી હિન્દી વિદ્યાપીઠ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ યુનિવર્સિટી (ઓપન યુનિવર્સિટી), ભારતીય શિક્ષા પરિષદ, મહામાયા ટેકનિકલ યુનિવર્સિટી, પશ્ચિમ બંગાળની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિન એન્ડ રિસર્ચનો સમાવેશ થાય છે.


