કિશોરીઓના આરોગ્ય અને સ્વચ્છતા માટે મહત્વપૂર્ણ પહેલ
૧૪૦ કિશોરીઓને રી-યુઝેબલ પેડ કીટનું વિતરણ અને મેન્સ્ટ્રુઅલ હાઇજીન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
છોટુનગર-૧, ૨, ૩ અને અમરજીત વિસ્તારની કિશોરીઓને વ્યક્તિગત સ્વચ્છતા અને કાળજી અંગે અપાયું માર્ગદર્શન
અગ્ર ગુજરાત, રાજકોટ
કિશોરીઓમાં માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ આવે તેમજ તેમને યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવે છે. તેના ભાગરૂપે મહાનગરપાલિકાના ઘટક-૩ હેઠળ આવતા છોટુનગર-૧, છોટુનગર-૨, છોટુનગર-૩ તથા અમરજીત વિસ્તારની આંગણવાડીની કિશોરીઓ માટે તા. ૨૪-૧૧-૨૦૨૬ના રોજ મહિન્દ્રા કંપનીના CSR ફંડ અંતર્ગત રી-યુઝેબલ પેડ કીટ વિતરણ અને મેન્સ્ટ્રુઅલ હાઇજીન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાળ વિકાસ યોજના અધિકારી (CDPO) પૂજાબેન જોશીના પ્રયાસોથી યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ ૧૪૦ કિશોરીઓને રી-યુઝેબલ (ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા) પેડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિન્દ્રા કંપનીના H.R. રોહિતભાઈ અને પાયલબેન દ્વારા કિશોરીઓને આ કીટ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે કિશોરીઓને માસિક ધર્મ, વ્યક્તિગત સ્વચ્છતા, આરોગ્યની જાળવણી તેમજ માસિક ધર્મ દરમિયાન રાખવાની જરૂરી કાળજી અંગે વિસ્તૃત અને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વોર્ડ નં. ૨નાં કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. CDPO પૂજાબેન જોશીએ મહિન્દ્રા કંપની દ્વારા CSR ફંડ હેઠળ એક કિશોરી દીઠ અંદાજે રૂ. ૪૦૦ની કિંમતની પેડ કીટ ઉપલબ્ધ કરાવી કિશોરીઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના હેતુને સાકાર કરવામાં આપેલા સહયોગ બદલ કંપનીના પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય સેવિકા ઝરણાબેન વ્યાસ તેમજ સંબંધિત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.


