- 152 કિલો ચાંદી સાથે 3ની અટકાયત
- ચૂંટણીવાળું રાજ્ય હોવાથી પોલીસ અલર્ટ
- રાજસ્થાન પોલીસે આરોપીઓની કરી અટકાયત
અમીરગઢ પાસેથી એક પોલીસ કાર્યવાહીમાં 152 કિલોગ્રામ ચાંદી સાથે 3 આરોપીઓને પોલીસે દબોચી લીધા હતા. મહત્વની વાત એ છે કે આ તમામ લોકો આધાર પુરાવા વગરની ચાંદીની ઘૂસણખોરી કરી રહ્યા હતા.
ગુજરાતમાં હાલમાં અનેક જગ્યાએથી સ્મગલિંગ અને ગેરકાયદે ઘૂસણખોરીની ઘટનાઓ ઘણી વધી જવા પામી છે. ગુજરાત પોલીસ અને રાજ્ય તેમજ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓની સતત ચાંપતી નજર છતાં પણ ઘણી વાર આવા તત્વો એજન્સીઓની નજર હેઠળથી બચી જઈને ગેરકાયદે વસ્તુઓની ઘૂસણખોરી કરવામાં સફળ થતા હોય છે. જો કે હાલ જે ચાંદી લઈ જવાની ઘટના સામે આવી હતી તે ગુજરાતમાંથી રાજસ્થાન લઈ જવામાં આવી રહેલ હતી તેવું સામે આવ્યું છે.
મહત્વનું છે કે હાલ ગુજરાતના પાડોશી રાજ્યો મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી છે. ત્યારે બંને રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયા બાદથી આચાર સંહિતાનો અમલ કરાઈ રહ્યો છે. ચૂંટણી પંચ પણ હાલના સમયમાં ખાસ્સું સતર્ક છે અને તમામ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ દળની ચૂંટણી ધરાવતા રાજ્યો પર સતત ચાંપતી નજર રહી છે. આવી જ એક કાર્યવાહી દરમિયાન અમીરગઢ નજીકથી રાજસ્થાન પોલીસની એક કાર્યવાહીમાં આ ઘૂસણખોરી ઝડપાઈ ગઈ હતી. માવલ ચેકપોસ્ટ પાસે રાજસ્થાન પોલીસે કાર્યવાહી કરતા આધાર પુરાવા વગરની 152 કિલો ચાંદી લઈ જતા 3 લોકોની અટકાયત કરી હતી.
મહત્વનું છે કે પોલીસે જે 3 લોકોની અટકાયત કરી છે તે 3 લોકો જોધપુરના નિવાસી હોવાની જાણકારી સામે આવી છે અને રાજસ્થાન પોલીસે હાલમાં આ ચાંદીનો જથ્થો જપ્ત કરીને તમામ લોકોની અટકાયત કરી છે. હાલ આ મામલે વધુ જાણકારી પોલીસની તપાસ બાદ જ સામે આવી શકે તેમ છે.


