- ધનતેરસના દિવસે યોજાનારી સભામાં 23 કામોના ઠરાવ પસાર થશે
- સત્તાપક્ષ અને વિરોધ પક્ષના કાઉન્સિલરોમાં વિરોધ સાથે ગણગણાટ શરૂ
- નગરપાલિકાના વિકાસ માટે સરકાર માંથી કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે
નડિયાદ નગરપાલિકા દ્વારા મિલકત વેચવા કાઢતાં સત્તાપક્ષ સભ્યોમાં છૂપો વિરોધ પ્રગટયો છે. તા. 10મી નારોજ ધનતેરસના દિવસે પાલિકાની યોજાનારી સામાન્ય સભામાં ટી.પી. સ્કીમ નં. પાંચ માં આવેલ સાત પ્લોટની હરાજી કરીને વેચાણ કરવા અંગેનો ઠરાવ પસાર કરાશે. આ ઉપરાંત વિવિધ વિકાસના 18 કામો પણ મંજૂર કરાશે. સભામાં ત્રિમાસિક હિસાબો રજૂ કરવામાં આવશે.
નડિયાદ નગરપાલિકાના બીજા ટર્મના ચૂંટાયેલા પ્રમુખ કિન્નરીબેન શાહના અધ્યક્ષ સ્થાને પાલિકાના સભાખંડમાં તા. 10મીએ બપોરે 12 કલાકે પ્રથમ સામાન્ય સભા યોજાશે. આ સભામાં ધનતેરસના દિવસે પાલિકાની મિલકત હરાજી કરીને વેચાણ કરવાના ઠરાવ મુદ્દે સત્તાપક્ષના અમુક કાઉન્સીલરોમાં રોષ પ્રગટેલ છે. પરંતુ સત્તા સામે ન બોલ્યાના નવ ગુણ સમજીને ચુપ રહેવામાં ભલાઇ માની રહ્યા છે. નગરમાં આવેલ ટી.પી સ્કીમ નં 5માં નગરપાલિકા ફાજલ પ્લોટ નં 121, 122, 124, 125, 127, 135 અને પ્લોટ નં.136 જાહેર હરાજી કરીને વેચાણ સારૂ દરખાસ્ત કરવા મંજૂરી આપવાના અંગેના કામને લઇને સત્તાપક્ષ અને વિરોધ પક્ષના કાઉન્સીલરોમાં વિરોધ સાથે ગણગણાટ શરૂ થઇ ગયો છે. આ ઉપરાંત ટી.પી સ્કીમ નં 2 એફ.પી નં 104માં વર્ષ 1999માં દુકાનો, કેબીન ધારકોને અન્ય જગ્યાએ દુકાનો ફાળવવા કરેલા તમામ ઠરાવો ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 65(2) નો ભંગ થતો હોય તે રદ કરવા બાબત, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2023-24 અન્વયે ફાળવાયેલ રૂ.7.50 કરોડનું આયોજન કરવા, કામો નક્કી કરવા દરખાસ્ત કરવા , ટેન્ડર પ્રક્રિયા કરવા તથા વધારોનો ખર્ચ થાય તો સ્વભંડોળથી ચીફઓફિસર અને પ્રમુખને સત્તા આપવા બાબત તેમજ નગરના વિવિધ વિકાસના કામોના ઠારાવ મંજૂર કરાશે. આ સભામાં તમામ કાઉન્સીલરોને ઉપસ્થિત રહેવા અને એજન્ડાના કામોની નકલ મોકલી આપવામાં આવી છે.
નગરપાલિકાને મિલકત વેચવાની શામાટે જરૂર પડી તેવા સવાલો ઊઠયા
એક કાઉન્સીલરે જણાવ્યું હતું કે, નગરપાલિકાના વિકાસ માટે સરકાર માંથી કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેમજ મિલકતના ભાડા, ટેકસ વસુલાતની આવતી રકમ હોવાછતાં સત્તાધિશો દ્વારા પાલિકાની મિલકત શા માટે હરાજી કરીને વેચવાની શી જરૂર પડી તે સમજાતું નથી તેવા અનેક સવાલ ઉઠયા છે.
નવી સમિતિ રચવાનો મુદ્દો પડતો મુકાયો
પાલિકામાં બીજા ટર્મના અઢી વર્ષ માટે નવા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, દંડકની વરણી કર્યા બાદ તા.10મીએ નવા નિમણૂંક થયેલ પ્રમુખના અધ્યક્ષ સાથે યોજાનારી પ્રથમ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચનાનું મુદ્દો એજન્ડામાં લેવાયો નથી. જેથી સમિતિના ચેરમેન બનવા ઇચ્છુક કાઉન્સીલરોમાં નારાજગી વ્યાપી ગઇ હતી. આ સભામાં ન મને કાઉન્સીલરો હાજર રહેશે તેમ એક કાઉન્સીલરે જણાવ્યું હતું.


