- નીરની સ્વચ્છતા માટે ભાજપ દ્વારા અપાયેલા વચન લોકો યાદ રાખી રહ્યાં છે
- નર્મદા નદીની ગંદકી દૂર કરવા અંગેનું અભિયાન ક્યારે શરૂ કરવામાં આવશે?
- શ્રીજી વિસર્જન ટાંણે નર્મદા નદીના નીરમાં પ્રતિમાના વિસર્જન અંગે વિવાદ થયો હતો
ગત વિધાનસભાની ચૂંટણીમાં નર્મદા નદીના નીરના પ્રદુષણ અંગે ખુબ વિવાદ ઉભો થયો હતો. આ વિવાદના સમયે ભારતીય જનતા પાર્ટી દ્વારા એવુ વચન આપવામાં આવ્યુ હતુ કે, આવનાર 6 મહિનામાં નર્મદા નદીના નીરના પ્રદુષણ અંગે નક્કર કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ વિધાનસભાની ચુંટણીને 6 માસ કરતા વધુ સમય વીતી ગયો તેમાંય આ વિધાનસભાની ચુંટણીમાં ભરૂચ જિલ્લામાં પાંચે પાંચ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જંગી લીડથી જીતી છે ત્યારે ભરૂચ જિલ્લાના લોકોની આશા અને અપેક્ષા ભાજપ પાસે વધુ વધી જાય છે.
તેમાં પણ ખાસ કરીને નર્મદા કે જે ગુજરાતની લોકમાતા અને ગુજરાતની ગંગા તરીકે ઓળખાય છે તેના નીરની સ્વચ્છતા માટે ભાજપ દ્વારા અપાયેલ વચન આજે પણ લોકો યાદ રાખી રહ્યા છે પરંતુ આ દિશામાં કોઈ નક્કર કામ થયુ નથી. હવે નર્મદા નદીમાં ભરૂચ નગરમાંથી જ મોટી 6 કરતા વધુ ગટર લાઈનો અને નાની આશરે 50 કરતા વધુ ગટરલાઈનો નર્મદાનદીમાં જઈને પડે છે તેથી એમ કહી શકાય કે, હજારો ગેલન ગંદુ પાણી નર્મદા નદીમાં ઠલવાય છે. હજી પણ મોટી સંખ્યામાં ભકતો જયારે વિવિધ પર્વો ટાંણે નર્મદા નદીમાં આસ્થાથી સ્નાન કરે છે ત્યારે તેઓને નદીનું પાણી પ્રદુષિત થઈ ગયુ હોય તેવુ સ્પષ્ટ પણે જણાય છે. આવી પરિસ્થિતિમાં ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નર્મદા નદીના સ્વચ્છતા અંગેનું અભિયાન કયારે શરૂ કરાશે તે જોવુ રહ્યુ.
ગામો અને નગરો ગંદા પાણીનો નિકાલ નદીમાં કરવાનું બંધ કરે
ભરૂચ જિલ્લામાં કઈ કેટલાય એવા ગામો છે અને ભરૂચ જેવા મોટા નગરો છે કે જેના ગંદા પાણીનો નિકાલ નર્મદા નદીમાં અવિરત પણે થઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં નગરો દ્વારા અને ગામો દ્વારા જયારે નર્મદા નદીમાં પ્રદુષિત પાણીના નિકાલ અંગે યોગ્ય નિર્ણય કરી પ્રદુષિત પાણી નર્મદા નદીમાં ન ઠલવાય તે માટેની તકેદારી રાખવામાં આવે તો ધીમે ધીમે નદીમાં પ્રદુષણનું પ્રમાણ ઓછુ થાય એમ પર્યાવરણવાદીઓ પણ માની રહ્યા છે.
નર્મદા નદીના પ્રદૂષણ અંગે કામ કરતી 6 જેટલી સમિતિઓ
ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના પ્રદુષણ અંગે લોકોમાં સભાનતા નથી એવુ નથી પરંતુ ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના પ્રદુષણ સામે 6 જેટલી સમિતિઓ હાલમાં પણ તેમની રીતે રજુઆત કરી રહી છે. આ સમિતિઓ દ્વારા જુદા જુદા સ્તરે રજુઆત કરવામાં આવી છે પરંતુ તેનુ પરિણામ હજી આવેલ નથી. આવી પરિસ્થિતિમાં આવનાર દિવસોમાં 6 જેટલી સમિતિઓ દ્વારા પણ નક્કર પરિણામ આવે તેવી કામગીરી થાય તેવુ ભરૂચ જિલ્લાના લોકો ઈચ્છી રહ્યા છે.
શું માત્ર પ્રતિમાઓ ન પધરાવાથી નર્મદા નદીનું પ્રદૂષણ ઘટશે ?
શ્રીજી વિસર્જન ટાંણે નર્મદા નદીના નીરમાં પ્રતિમાના વિસર્જન અંગે વિવાદ થયો હતો. શ્રીજીના ભકતોએ નર્મદા નદીમાં પ્રદુષણ ન વધે તે માટે તંત્રને સાથસહકાર આપ્યો હતો. આવી પરિસ્થિતિમાં એક બાબત સ્પષ્ટ થાય છે કે, જો પ્રતિમાઓ ન પધરાવાથી જ નર્મદા નદીનું પ્રદુષણ જો ઘટી જતુ હોય તો કેટલાય વરસોથી નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાતુ નથી તેમ છતાં હજી પ્રદુષણ કેમ ઘટતુ નથી આ એક વિચાર માંગતો પ્રશ્ન તંત્ર માટે અને રાજકારણીઓ માટે છે.


