- વિજરખી ફાયરિંગ રેન્જથી બે કિમી દૂર ખેતરમાં ખેડૂત પાક ઉતારતો હતો
- ઈજાગ્રસ્ત ખેડૂતનું ઓપરેશન કરી ગોળી કાઢી લીધા બાદ FSLમાં તપાસ અર્થે મોકલાઈ
- ચેલા કેમ્પના જવાનો માટે ફાયરિંગની પ્રેક્ટિસ સવારના ભાગે યોજાઈ હતી
જામનગરથી 15 કિલોમીટર દૂર આવેલી પોલીસ-એસઆરપી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ફાયરિંગ રેન્જમાં આજે એસઆરપીની ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન છટકેલી ગોળી રેન્જથી બે કિમી દૂરના ખેતરમાં કામ કરતા ખેડૂતની પાંસળીમાં ઘૂસી ગઈ હતી. ઈજાગ્રસ્ત ખેડૂતની સર્જરી કરી ડોક્ટરોએ ગોળી બહાર કાઢી લીધી હતી. ત્યારબાદ કયા હથિયારથી ગોળી છૂટી છે તેની તપાસ કરવા ગોળી એફએસએલમાં મોકલવામાં આવી છે.
કાલાવડ હાઈ-વે પરના વિજરખી ફાયરિંગ રેન્જનો ઉપયોગ પોલીસ, ક્યારેક આર્મી અને એસઆરપી દ્વારા ફાયરિંગ પ્રેક્ટિસ માટે કરવામાં આવે છે. આજે જામનગર ચેલા કેમ્પના જવાનો માટે ફાયરિંગની પ્રેક્ટિસ સવારના ભાગે યોજાઈ હતી. ત્યારે સવારે 9 વાગ્યાના અરસામાં ફાયરિંગ રેન્જથી બે કિમી દૂર ખેતર ધરાવતા ખેડૂત એવા 32 વર્ષના મનસુખ લોખીલ જ્યારે કપાસ ઉતારતા હતા ત્યારે તેઓને અચાનક પાંસળીના ભાગે ગોળી વાગતા તેમણે ચીસો પાડી હતી. આથી નજીકમાં કામ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ મારફત મનસુખ લોખીલને જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તાબડતોબ ઓપરેશન કરીને ઘાયલ ખેડૂતના શરીરમાંથી ગોળી કાઢીને પોલીસને સોંપી હતી. આ અંગે પંચકોશી એ ડિવિઝનના તપાસનીશ પીએસઆઈ જે. પી. સોઢા જણાવે છે કે, ઘાયલ ખેડૂતનું તેની સાથેના લોકોનું નિવેદન લેવાયું છે. ગોળીને કબ્જે લઈને એફ.એસ.એલ.માં મોકલવામાં આવી છે. એસઆરપીની પ્રેક્ટિસમાં 3 પ્રકારના હથિયારોનો ઉપયોગ થતો હતો. તેથી ક્યા વેપનમાંથી ગોળી છુટી છે તેની તપાસ કરવામાં આવશે.


