- સાયબર ભેજાબાજોની ધરપકડ
- ટેલિગ્રામથી કૌભાંડ આચરનારાની ધરપકડ
- 20 ગુનાનો ભેદ ઉકેલાયો
સાયબર પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. હકીકતે ટેલિગ્રામના માધ્યમથી રોકાણ કરવાના નામે વેપારી સાથે 2.46 કરોડની ઠગાઈ કરનાર 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે મેક માય ટ્રીપમાં હોટલના રેટિંગ વધારવા અને રોકાણના નામે આ છેતરપિંડી આચરવામાં આવી હતી. સાયબર પોલીસે 20 ગુનાનો ભેદ ઉકેલીને વધુ તપાસ શરૂ કરી છે.
સાયબર ક્રાઇમની કસ્ટડી ઝડપાયેલા આરોપી ઋતુલ કાનાબાર અને નિકુંજ ઉર્ફે દિવ્યેશ ખેમાણીએ અમદાવાદના શેર બજારનું ટ્રેડિંગ કરનારા વેપારી સાથે 2.46 કરોડની ઠગાઈ આચરી હતી. છેતરપિંડીની ઘટનાની વાત કરીએ તો અમદાવાદના જયેશ વકીલ ટેલિગ્રામના માધ્યમથી રોકાણને લઈને એક મેસેજ આવ્યો હતો. જેમાં મેકમાય ટ્રીપની હોટલના રેટિંગ વધારવા અને રોકાણના જુદા જુદા ટાસ્કના બહાને આરોપીઓએ રોકાણ કરાવીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો. વેપારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેક્નિકલ એનાલિસિસ કરીને બંન્ને આરોપીની ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો. જેમાં આરોપી રુતુલ કાનાબાર ઠગાઈના પૈસા માટે બેંક એકાઉન્ટ પ્રોવાઇડ કરતો હતો અને સાથે જ સુરતનો આરોપી નિકુંજ ઉર્ફે દિવ્યેશ ખેમાણીએ બેંક એકાઉન્ટ ઉપયોગ કરવા લઈ તેના કમિશનપેટે પૈસા લેતો હતો. જોકે ભોગ બનાર વેપારીએ રોકાણ કરવાની લાલચમાં પહેલીવાર માત્ર 1500 રૂપિયા જમા કરાવ્યા હતા જેમાં તેને ફાયદો થયો હતો. ધીમે ધીમે તેમાં વધુ પૈસા જમા કરાવ્યા અને છેલ્લે 2.46 કરોડની ઠગાઈનો શિકાર બન્યો હતો.
સાયબર ક્રાઇમની તપાસમાં ટેલીગ્રામ માધ્યમથી ઠગાઈ કરનાર મુખ્ય આરોપી સુરતનો વોન્ટેડ આરોપી જયદીપ છે. જે ઓનલાઈન ઠગાઈ કેસમાં પંજાબ પોલીસે ધરપકડ કરી જેલમાં સજા કાપી રહ્યો છે પરંતુ જેલમાં રહીને તેનો સાગરીત ઋતુલ કાનાબાર ઠગાઈના પૈસા અને બેંક એકાઉન્ટ મેનેજમેન્ટ કરતો હોવાનું સામે આવ્યું છે ત્યારે ઠગાઈના 2.46 કરોડ રૂપિયા માટે 29 જેટલા બેંક એકાઉન્ટ ઉપયોગ થયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે એટલું જ નહિ પોલીસ તપાસમાં બેંક એકાઉન્ટ વિગત પરથી વધુ 20 ગુનાનો ભેદ ઉકેલાયો છે જેમાં અમદાવાદના બે અને અન્ય રાજ્યોના 18 ગુના ઓનલાઇન ફ્રોડના સામે આવ્યા છે. નોંધનીય છે કે બિહાર, રાજસ્થાન તેલંગાણા,આંધ્રપ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતનાં લોકો સાથે છેલ્લા દોઢ વર્ષથી રોકાણ કરવાના બહાને ઠગાઈ આચરે છે.
પકડાયેલ બન્ને આરોપીને બેંક એકાઉન્ટમાં આવેલા ઠગાઇના પૈસામાંથી 12 થી 15 ટકા કમિશન મળતું હોવાનું સામે આવ્યું છે. જોકે લોકોને ઠગાઈ આચરવા માટેના ડેટાથી લઇ ફોન કરી લાલચ આપવાનું કામ માટેની અલગ ટોળકી કામ કરતી હોવાનું તપાસમાં આવ્યું છે ત્યારે આ બન્ને આરોપી ઠગાઇના પૈસા માટે બેંક એકાઉન્ટ મેનેજમેન્ટ કરતા હતા ત્યારે આ ઠગાઈનો માસ્ટર માઈન્ડ જયદીપની ધરપકડ થયા બાદ અનેક નવા ખુલાસા થઈ શકે છે.


