- દિવાળીનું ભવ્યાતિભવ્ય આયોજન
- રંગીલા રાજકોટની વધી જશે રોનક
- દિવાળી ઉત્સવ કાર્નિવલનું ઉદ્ધાટન
દિવાળીના દિવસોમાં રંગીલા રાજકોટની રોનક ઓર વધી જવાની છે. કેમ કે રાજકોટવાસીઓ માટે દિવાળીની ઉજવણીને ભવ્ય અને દિવ્ય બનાવવાની રાજકોટ મનપાની પૂરી તૈયારી છે. દિવાળીને ધ્યાને રાખીને ખાસ દિવાળી પર્વના દિવસોમાં દિવાળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
મહત્વનું છે કે આ કાર્યક્રમનું ઉદ્ધાટન રાજ્યસભા સાંસદ રામ મોકરીયા દ્વારા કરાવાયું છે. ખાસ કરીને સાંસદ રામ મોકરીયાના હસ્તે દિવાળી ઉત્સવ કાર્નિવલને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. 8 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી આ દિવસો દરમિયાન રાજકોટમાં અલગ અલગ કાર્યક્રમો યોજાવાનું આયોજન છે. જેમાં મોટા પાયે રાજકોટ શહેર અને જિલ્લાની તેમજ આસપાસના પંથકની જનતા પણ સામેલ થાય તેવી આશા સેવાઈ રહી છે.રાજકોટમાં આ દિવાળીએ મનપાએ દિવાળી ઉત્સવ કાર્નિવલનું આયોજન કર્યું છે. જે કાર્યક્રમ 8 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી ચાલશે તેવું નક્કી કરાયું છે. રંગીલુ રાજકોટ શહેર તેના ઝડપી વિકાસની સાથોસાથ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પણ એટલું જ વિખ્યાત છે. જુદાજુદા પ્રસંગોએ યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોએ રાજકોટની એક ખાસ ઓળખ પ્રદાન કરી છે. એમાં પણ જ્યારે દિવાળી જેવો સૌનો મનપસંદ એવો દિવ્ય તહેવાર આવે ત્યારે રાજકોટની રોનક દીપી ઉઠે છે.
વધુ એક વખત દિવાળીના તહેવારને યાદગાર બનાવવા અને નાગરિકોમાં આનંદ, ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના વર્ષોની માફક આ વર્ષે પણ તા.08 થી 12 નવેમ્બર, 2023 દરમ્યાન રેસકોર્સ રિંગ રોડ ખાતે ભવ્ય દિવાળી ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં, એન્ટ્રી ગેઇટ, આકર્ષક થીમ બેઇઝ લાઈટીંગ ડેકોરેશન, ભવ્ય આતશબાજી, રંગોળી સ્પર્ધા, સેલ્ફી પોઈન્ટ વગેરે દિવાળી ઉત્સવમાં વિશેષ આકર્ષણોનો ઉમેરો કરશે.
દિવાળી ઉત્સવ અનુસંધાને યોજાનાર કાર્યક્રમો અંગે વિસ્તૃત વિગતો આપતા તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દિવાળીના તહેવાર યાદગાર બનાવવા યોજવામાં આવનાર તા.08 ના રોજ સાંજે 06:00 વાગ્યે બાલભવન, રેસકોર્ષ ખાતે દિવાળી ઉત્સવનો રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાના હસ્તે શુભારંભ થયું.
તા.10ના રોજ રાત્રે 7:00 વાગ્યે માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્સ ખાતે ભવ્ય આતશબાજી યોજાશે. જેનું દિપ પ્રાગટ્ય પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરાના હસ્તે કરવામાં આવશે. તા.11ના રોજ રેસકોર્સ રિંગ રોડ ખાતે રંગોળી સ્પર્ધા અંતર્ગત સ્પર્ધકો રંગોળી તૈયાર કરશે. સ્પર્ધકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગોળી તા.12 નવેમ્બરના રોજ સાંજે શહેરીજનો નિહાળી શકશે.રેસકોર્સ રિંગ રોડ ફરતે પાંચ દિવસ સુધી આકર્ષક થીમ બેઇઝ લાઈટિંગ ડેકોરેશન કરવામાં આવશે. રેસકોર્સ રિંગ રોડ ખાતે એન્ટ્રી ગેઇટ અને સેલ્ફી પોઈન્ટ્સ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
દિવાળી ઉત્સવ પ્રસંગે ચિત્રનગરીની ટીમના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.11/11/2023ના રોજ બપોરે 03:00 કલાકથી રાત્રીના 11:30 કલાક દરમ્યાન રેસકોર્સ રીંગરોડના 2.7 કિ.મી.ના એરિયામાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં કોઈપણ ઉંમરની વ્યક્તિ ભાગ લઇ શકશે. આ હરીફાઈમાં પ્રથમ 3 વિજેતાને અનુક્રમે રૂ 15 હજાર, રૂ 10 હજાર અને રૂ 05 હજાર પુરસ્કાર તરીકે આપવામાં આવશે.આ ઉપરાંત 20 રંગોળીના કલાકારોને રૂૂ.1000/- પુરસ્કાર તરીકે આપવામાં આવશે. જે સ્કૂલ, કોલેજ કે કલાકારો આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા હોય તેઓ ચિત્રનગરી કાર્યાલય (રેસકોર્ષ સ્વિમિંગ પુલની સામે) સોમવાર સુધી સાંજે 05:00 થી 08:00 દરમિયાન રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત મોબાઈલ નંબર 92280 90895 ઉપર પણ વ્હોટસઅપ મેસેજ દ્વારા પણ રજીસ્ટ્રેશન કરાવી શકશે.


