- મહિલા પાસેથી 4.268 કિગ્રા ડ્રગ્સ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી
- મેથએમ્ફીટામાઈન ડ્રગ મળી આવતા તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
- મહિલા ઝડપાતા પોલીસે તે દિશામાં વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરી
બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ સરહદ પર પોલીસની નાકાબંધી દરમિયાન રાજસ્થાન બાજુથી આવી રહેલ શ્રીનાથ ટ્રાવેલ્સની લકઝરી બસમાં તપાસ કરતા મુસાફરના સ્વાંગમાં બેઠેલ એક નાઈજીરિયન મહિલા પર શંકા જતા તેની પાસેની બેગની તલાસી લેતા તેમાંથી રૂ.4,26,80,000 ઉપરાંતનું મેથએમ્ફીટામાઈન ડ્રગ મળી આવતા તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લા એલસીબી તથા એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા અમીરગઢ ચેકપોસ્ટ પર વોચ કરવામાં આવી રહી તે દરમિયાન રાજસ્થાન બાજુથી આવેલ શ્રીનાથ ટ્રાવેલ્સની લકઝરી બસમાં પોલીસે તલાસી લેતા તેમાં બેઠેલી એક નાઈજીરિયન મહિલા પર શંકા જતા તેની તલાસી લેતા તેની પાસેથી 4.268 કિલોગ્રામ મેથએમ્ફીટામાઈન ડ્રગ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી અને બોર્ડર પર ચેકિંગ કરી રહેલ એલસીબી પી.આઈ. ડી.આર. ગઢવી તથા અમીરગઢ પીઆઈ ધવલ પટેલ સહિતના સ્ટાફ દ્વારા મહિલા પોલીસની ઉપસ્થિતિમાં પૂછપરછ કરતા ઉપરોકત મહિલા દિલ્હીથી મુંબઈ જઈ રહી હોવાનું અને તેની પાસેથી મળી આવેલ ડ્રગ્સ અંગે સંતોષકારક જવાબ ન આપતા પોલીસે મહિલાની સઘન પૂછપરછ કરતા તેણીની ટુરીસ્ટ વિઝા પર ભારત આવી હતી અને તેના વિઝા પણ વર્ષ 2021માં પૂર્ણ થઈ ગયા હતા આમ છતાં તે છેલ્લા બે વર્ષથી ગેરકાયદેસર રીતે દિલ્હી ખાતે રહેતી હતી અને મુંબઈ ખાતે તેણીને નાલાસોપારા ખાતે જવાનું હોવાથી પોલીસ સમક્ષ કરી હતી.
સદર ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા મહિલાના વિઝા બે વર્ષ અગાઉ વર્ષ 2021માં પૂર્ણ થઈ ગયા હતા. આમ છતાં તેણીની દિલ્હી ખાતે ગેરકાયદેસર રીતે રહેતી હતી તેમ પોલીસને તપાસ દરમિયાન જાણવા મળેલ છે. બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અગાઉ પણ અમદાવાદ ખાતે ગેંગરેપ અને લૂંટ કરી નાસી છૂટેલા આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી રહી ત્યારે ફરીથી આજે શ્રીનાથ ટ્રાવેલ્સની બસમાંથી રૂપિયા 4.26 કરોડ ઉપરાંત ડ્રગ સાથે મહિલા ઝડપાતા પોલીસે તે દિશામાં વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
ઝડપાયેલ મહિલા દિલ્હીમાં બે વર્ષથી રહેતી હતી
ઝડપાયેલી નાઈઝીરીયન મહિલાનો વિઝા બે વર્ષ પહેલા પૂર્ણ થઈ ગયેલ હતો આમ છતાં તેણીની દિલ્હી ખાતે ચંદ્રવિહાર દીપક ગલી નંબર-2 માં બે વર્ષથી રહેતી હતી.


