- ફટાકડા ફોડવાની ના કહેનાર સાથે ઝગડો થયો
- પોલીસે હાલ તો આરોપીની અટકાયત કરી લીધી
- ઝગડો અટકાવા ગયેલ આધેડને જીવ ખોવાનો વારો આવ્યો
મોરબીમાં ફટાકડા એક વ્યક્તિની હત્યાનું કારણ બન્યા છે. જેમાં ફટાકડા ફોડવાની ના કહેતા ઉશ્કેરાયેલા વ્યક્તિએ છરીનો ઘા મારી દેતા આધેડનું મોત નીપજ્યું હતું અને નવાઈની વાત એ છે કે ફટાકડા ફોડવાની ના કહેનાર સાથે ઝગડો કરતા વ્યક્તિને અટકાવવા ગયેલ આધેડને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો છે.
પોલીસે હાલ તો આરોપીની અટકાયત કરી લીધી
આ બનાવમાં પોલીસે હાલ તો આરોપીની અટકાયત કરી લીધી છે. પરંતુ દિવાળી પહેલા જ એક પરિવાર શોકની ગર્તામાં ડૂબી ગયો છે. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાભનગર સોસાયટીમાં મંગળવારની રાત્રે વલીમામદ મિયાણા નામનો વ્યક્તિ ફટાકડા ફોડી રહ્યો હતો. ત્યારે પડોશમાં રહેતા લાખાભાઈ ગઢવીએ તેમની પત્ની બીમાર હોવાથી વલીમામદને ફટાકડા નહિ ફોડવા અપીલ કરી હતી.
વલીમામદ ઉશ્કેરાઈ ગયો અને લાખાભાઈ સાથે માથાકૂટ કરવા લાગ્યો
બસ પછી તો ગુનાહિત ઈતિહાસ ધરાવતો વલીમામદ ઉશ્કેરાઈ ગયો અને લાખાભાઈ સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો. આ ઝગડો ઉગ્ર બનતા રાજેશભાઈ ગઢવી બંનેની વચ્ચે પડ્યા અને ઝગડો બંધ કરવા કહ્યું તો વલીમામદ રાજેશભાઈ તરફ ત્રાટક્યો અને હાથમાં રહેલી છરીનો ઘા રાજેશભાઈની છાતી ઉપર ઝીંકી દીધો હતો. જેમાં લોહીનો ફુવારો ઉડ્યો અને રાજેશભાઈને ગંભીર હાલતમાં સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડાયા હતા.
નિર્દોષ વ્યક્તિના પરિવારનો માળો વિખેરાઈ ગયો
સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું અને બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવ અંગે બી ડીવીઝન પોલીસમાં મૃતકના સગાએ હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વાલીમામદને ઝડપી લીધો છે. હાલ વાલીમામદ પોલીસના સકંજામાં છે. પરંતુ નજીવી બાબતમાં એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આરોપી વલીમામદ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. અને અગાઉ પણ પોલીસે તેની મારામારી જેવા ગુનાઓમાં અટકાયત કરી છે. ત્યારે સ્વભાવથી જ ગુનેગાર એવા વ્યક્તિના લીધે એક નિર્દોષ વ્યક્તિના પરિવારનો માળો વિખેરાઈ ગયો છે.


