- 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ કોલ્સના ડેટાના અભ્યાસનું તારણ
- આગજનીના કેસ 242% વધી શકે, સૌથી વધુ કોલ્સ દિવાળી પછીના દિવસોએ
- દાઝી જવાના સામાન્ય રીતે રોજના 7 કોલ્સ હોય છે
દિવાળીના તહેવારો દરમિયાન 108 એમ્બ્યુલન્સ સેવાના ઈમરજન્સી કોલ્સમાં વધારો થવાની ભીતિ વ્યક્ત કરાઈ છે. અગાઉના વર્ષોના ડેટાના વિશ્લેષણ આધારે ઈમરજન્સી સેવાના સૂત્રો કહે છે કે, દિવાળીમાં મેડિકલ ઈમરજન્સીના કેસમાં 9.06 ટકા, નવા વર્ષમાં 23.30 ટકા અને ભાઈ બીજાના 22.24 ટકાનો સંભવિત સીધો વધારો થઈ શકે તેવા વર્તારો વ્યક્ત કરાયો છે. તહેવારોની સિઝનમાં મેડિકલ ઈમરજન્સીના કેસોમાં થનારા વધારાને પહોંચી વળવા માટે સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઈમરજન્સી કોલ્સનો ઝડપી પ્રતિસાદ નક્કી કરવા માટે વધુ કેસો નોંધાતા હોય તેવા સ્થાનોની નજીક એટલે કે હોટ સ્પોટ પર એમ્બ્યુલન્સ વાન તૈનાત કરાશે.
સામાન્ય દિવસમાં 3961 ઈમરજન્સી કોલ્સની સામે આ વખતે દિવાળીએ 4320 કોલ્સ, નૂતન વર્ષે 4,884 અને ભાઈબીજના દિવસે 4842 જેટલા કોલ્સ આવે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે. સામાન્ય દિવસોમાં અકસ્માતના 431 કેસ આવતાં હોય છે, જોકે દિવાળીએ વાહન વ્યવહારની અવર જવર વધતી હોવાના કારણસર 755 કોલ્સ, નવા વર્ષે 997 અને ભાઈબીજના દિવસે 802 કોલ્સ મળે તેવી શક્યતા છે. આમ અકસ્માતના કેસમાં 75 ટકાથી માંડીને 131 ટકા જેટલો વધારો થઈ શકે છે. આ ઉપરાંત શ્વાસ લેવા સંબંધિત બીમારીના કેસમાં 7 ટકાથી માંડીને 30 ટકા સુધીનો વધારો થઈ શકે છે. દિવાળી સમયે ફટાકડાના પ્રદૂષણને કારણે શ્વાસ લેવા સંબંધિત તકલીફ વધતી હોય છે, સામાન્ય દિવસે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેવા રોજના 276 જેટલા દર્દીને હોસ્પિટલે પહોંચાડવામાં આવે છે, જોકે આ વખતે દિવાળીએ 307, બેસતા વર્ષે 297 અને ભાઈબીજના દિવસે 359 જેટલા કોલ્સ આવે તેવી શક્યતા દર્શાવાઈ છે. પડી જવાના નોન વ્હિકલ ટ્રોમાના સામાન્ય દિવસોમાં રોજ 179 કોલ્સ આવે છે, જોકે દિવાળીએ 197, બેસતા વર્ષે 223 અને ભાઈબીજે 199 જેટલા ઈમરજન્સી કેસ નોંધાઈ શકે છે. દાઝી જવાના સામાન્ય રીતે રોજના 7 કોલ્સ હોય છે, અલબત્ત, દિવાળીના તહેવારોમાં 42 ટકાથી માંડીને 242 ટકા સુધીનો વધારો થઈ શકે તેવી ભીતિ છે.


