- મિનિ વેકેશનમાં બંધ ઘરોમાં થતી ચોરીઓ અટકાવવા શહેર પોલીસ સક્રિય
- શહેર પોલીસને રાત્રિ પેટ્રોલિંગ કરી શંકાસ્પદ લોકોને ચેક કરવાની સૂચના
- બહારગામ જવાની યોજના હોય તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી
દિવાળી વેકેશનમાં ફરવા કે વતનમાં જાવ તેનો વાંધો નથી પણ જો એફબી, ઈન્સ્ટાગ્રામ કે ટ્વીટર પર ફરવા ગયાના ફોટો મુક્યો તો તસ્કરો તમારા બંધ ઘરના તાળાં તોડી ચોરી કરી શકે છે. શહેર પોલીસ દ્વારા ફરવા જતા લોકોને બહારગામ ગયાના ફોટો, વીડિયો કે રિલ્સ અપલોડ ના કરવા માટે અરજ કરવામાં આવી છે. દિવાળી વેકેશનમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ પર અંકુશ મુકવા પોલીસ પણ સક્રિય બની છે. પોલીસ કમિશનર દ્વારા પોલીસને રાત્રી પેટ્રોલિંગ કરી શંકાસ્પદ લોકોને ચેક કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત દિવાળીના મિની વેકેશનમાં ફરવા કે વતનમાં જતા લોકોને તસ્કરોથી બચવા માટે સોશિયલ મીડિયા કે સ્ટેટસમાં ફોટો ના મુકવા અપીલ કરવામાં આવી છે.
તસ્કરો દ્વારા ખાસ કરીને ઉનાળું, દિવાળી વેકેશન અને શિયાળાના સમયગાળામાં બંધ ઘરોને ટાર્ગેટ કરીને ઘરફોડ ચોરીઓ આચરવામાં આવતી હોય છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી વેકેશનમાં ફરવા કે વતનમાં જતા લોકો દ્વારા સોશિયલ મીડિયા જેવા કે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક કે ટ્વીટર પર ફરવા ગયાના ફોટો અપલોડ કરવા કે રિલ્સ બનાવી મુકવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં અપલોડ થતા આ ફોટો અને રિલ્સ જોઈને જે તે વ્યક્તિને ત્યાં અગાઉ કામ કરી ચુકેલા ઘરઘાટી સહિતના રોજમદારો ચોરીની યોજના બનાવતા હોય છે. પોલીસની તપાસમાં કેટલાક ચોરીના બનાવોમાં અગાઉ કામ કરી ચુકેલા ઘરઘાટી કે નોકરોએ નોકરી છોડયાના બે કે ત્રણ વર્ષ બાદ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી માલિકનો પરિવાર બહારગામ ગયાની વિગતો જાણી ઘરફોડ ચોરીની યોજના પાર પાડયાની વિગતો ખુલી છે.
પોલીસે આ મુદ્દે લોકોને અપીલ કરી છે કે, તમે ફરવા ગયા હોય કે વતનમાં હોવ ત્યાં સુધી સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ ના કરો જેના કારણે ચોરીની ઘટના અટકાવી શકાય છે. આ ઉપરાંત ફરવા કે બહારગામ જવાની યોજના હોય તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી. જેથી જે તે વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ ચાલુ રહે અને ચોરીની યોજના બનાવનારને ઝડપી શકાય છે. ખાસ કરીને સોસાયટીના ચેરમેન, સેક્રેટરી કે નજીકના વ્યક્તિને ફરવા જવાની યોજના અંગે જાણ કરો જેથી તેઓ તમારા બંધ ઘર પર નજર રાખી ચોરીની ઘટના બનતી અટકાવી શકે છે. પોલીસ કમિશનર દ્વારા શહેર પોલીસને ઘરફોડ ચોરીઓ અટકાવવા માટે સક્રિય રહેવા તેમજ રાત્રિ પેટ્રોલિંગ ચાલુ રાખવા માટે સૂચના અપાઈ છે. આ ઉપરાંત ઘરફોડ ચોરીઓમાં અગાઉ પકડાયેલા અને શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખી તેઓને ચેક કરવાની સૂચના જારી કરાઈ છે.
શહેરમાં ચાલુ વર્ષ સપ્ટેમ્બર માસ સુધીમાં 363 ઘરફોડ ચોરીની ઘટના
અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરીની ઘટના સતત વધી રહી છે. 2022માં સપ્ટેમ્બર માસ સુધી 272 ઘરફોડ ચોરીની ઘટના નોંધાઈ હતી. ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસ સુધી ઘરફોડ ચોરીની 363 ઘટના બની છે. આમ, ગત વર્ષ કરતા 91 ઘરફોડ ચોરીના બનાવ વધુ બન્યા છે.
બંધ ઘરમાં સોના-ચાંદીના દાગીના કે રોકડ ના રાખવી
શહેર પોલીસ દ્વારા વેકેશનમાં ફરવા જતા લોકોને વારંવાર અપીલ કરવામાં આવે છે કે, બંધ ધરમાં સોના-ચાંદીના દાગીના, કિંમતી સામાન કે રોક્ડ રકમ ના રાખવી જોઈએ. જેના કારણે તસ્કરો બંધ ઘરમાં પ્રવેશ કરે તો પણ ચોરી કરવામાં સફાળ થતા નથી.


