- 2029 યુથ ઓલિમ્પિક્સ અને 2036 ઓલિમ્પિકની યજમાની કરવાનો ઉદ્દેશ
- જમીન સંપાદન નવા સૂચિત 90 મીટરના રિંગ રોડની બાજુમાં થાય તેવી શક્યતા
- સ્થાનિક અર્થતંત્ર અને ખાસ કરીને હોસ્પિટાલિટી ઉદ્યોગને પ્રોત્સાહન આપશે
રાજ્ય સરકાર 2029 યુથ ઓલિમ્પિક્સ અને 2036 ઓલિમ્પિકની યજમાની કરવાના ઉદ્દેશ સાથે સ્પોર્ટ્સ સિટીના વિકાસ માટે ગોધાવીમાં 500 એકર જમીન સંપાદન કરવા માટે આગળ વધી રહી છે. આધારભૂત સૂત્રોએ જણાવ્યું કે, રાજ્ય સરકાર નવા સૂચિત 90 મીટરના રિંગ રોડની બાજુમાં આવેલી જમીન સંપાદન કરશે.
રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિબદ્ધતા દર્શાવી છે કે, ભારત 2029 યુથ ઓલિમ્પિક્સ અને 2036 ઓલિમ્પિકની યજમાની માટે બિડ સબમિટ કરશે. સાનુકૂળ સંભાવનાઓ સાથે, ભારતને આ બંને પ્રતિષ્ઠિત કાર્યક્રમોનું આયોજન કરવાનો અવસર મળી શકે છે અને સંભવિત યજમાન શહેરોમાં અમદાવાદ સૌથી વધુ પસંદગીના શહેર તરીકે ઉભરી રહ્યું છે.’
અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાના મુખ્ય ફાયદાઓમાંનો એક નોંધપાત્ર આર્થિક વૃદ્ધિ અને રોકાણની સંભાવના હશે. આ ગેમ્સ હાલની રમત સુવિધાઓને અપગ્રેડ કરવાની અને નવી સુવિધાઓ વિકસાવવાની તક પૂરી પાડશે, જે શહેર અને તેના રહેવાસીઓ માટે કાયમી વારસો છોડશે. વધુમાં, આ ગેમ્સ વિશ્વભરના પ્રવાસીઓ અને મુલાકાતીઓને આકર્ષિત કરશે, સ્થાનિક અર્થતંત્ર અને ખાસ કરીને હોસ્પિટાલિટી ઉદ્યોગને પ્રોત્સાહન આપશે.
રાજ્ય સરકારના વર્ષ 2018ના એક પરિપત્ર મુજબ, જમીન સંપાદન અધિકારી, જમીન માલિક અને સંપાદક સંસ્થા જમીનના માપ, જાત તથા તેના વળતર અંગે સંમત થાય તેવા કિસ્સામાં વધુ તપાસ કર્યાં વગર નિયત નમૂનાનું એગ્રીમેન્ટ કર્યા બાદ એવોર્ડ જાહેર કરી શકે છે. જો જાહેર હેતુ માટે ખેડૂતો પોતાની માલિકીની જમીન સામેથી આપવા તૈયાર થાય તે હેતુથી જમીનનો કબજો લેવાના પ્રસંગે અંદાજિત વળતરના 80 ટકા તરત જ આગોતરા વળતર તરીકે ચૂકવવાની અને બાકીની રકમ અન્ય કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તુર્ત જ ચૂકવવા ઉપરાંત બજાર કિંમત ઉપર 25 ટકા પ્રોત્સાહક રકમ તરીકે વધારાની રકમ ચૂકવવાનું રાજ્ય સરકારે જાહેર કર્યું છે. નિષ્કર્ષમાં, અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન એ એક મહત્વપૂર્ણ પ્રસંગ હશે જે શહેર અને સમગ્ર પ્રદેશ માટે અસંખ્ય લાભો લાવશે. તે માત્ર શહેરના વિકાસને જ દર્શાવશે નહીં પરંતુ આવનારી પેઢીઓ માટે કાયમી વારસો પણ છોડશે.
ખેડૂતોને ફાયદો : નવી જંત્રી મુજબ ચાર ગણી રકમ મળી શકે
સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્ય સરકાર ગોધાવીમાં જમીન સંપાદન માટે હાલના જંત્રી દરને ધ્યાનમાં લેશેઅને તેના મુજબ જો જમીન માલિક સામેથી જમીન આપવા તૈયાર થાય તો જંત્રીની 4.25 ગણી રકમ મેળવશે. હાલમાં સરેરાશ જંત્રીના દરો મુજબ ગોધાવીની ખેતીની જમીન માટે જંત્રી દર પ્રતિ ચોરસ મીટર રૂ.2,500 છે, જ્યારે બિન-ખેતી(NA) જમીનનો જંત્રી દર પ્રતિ ચોરસ મીટર રૂ.3,000 છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ-2023માં જંત્રીના દરોમાં થયેલ 100% વધારો નોંધપાત્ર છે. ખેડૂતોને તેમની જમીન માટે રૂ.10,000 પ્રતિ ચોરસમીટર અથવા રૂ.8,000 પ્રતિ ચોરસવાર એટલે કે જંત્રી દરના ચાર ગણા પ્રાપ્ત થવાની સંભાવના સાથે ઘણો ફાયદો થાય તેમ છે.


