- સુરતમાં મહિલા ગ્રુપ જોશમાં
- ભારતીય ટીમને કરે છે સપોર્ટ
- લાઈવ મેચનું પ્રોજેક્ટર પર પ્રસારણ
આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે વર્લ્ડકપ માટેનો ફાઈનલ મહામુકાબલો ખેલાઈ રહ્યો છે. પહેલા પાવરપ્લેમાં ભારતે 3 વિકેટ ગુમાવતા ટીમ ઈન્ડિયાની ખરાબ શરૂઆત થઈ હતી, જો કે વિરાટ કોહલી અને કે એલ રાહુલે બાજી સંભાળી હતી. જો કે આ મહામુકાબલાને માણવા માટે ગુજરાતની જનતામાં ક્રિકેટિંગ ફીવર તેના હાઈ પર છે. મેન ઈન બ્લૂને સપોર્ટ કરવા માટે સુરતી મહિલાઓ પણ તેના અનોખા અંદાજમાં ટીમને ચિયર કરી રહી હતી.
સુરતમાં મહિલાઓના ગ્રુપ દ્વારા સુરતમાં ખાસ પ્રોજેક્ટર રાખીને મેચનું લાઈવ પ્રસારણ જોઈને ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહિલાઓએ ટીમ ઈન્ડિયાને ચીયર કરવા માટે ભારતના ફ્લેગના ટેમ્પરરી ટેટુ તેમના શરીર પર ત્રોફાવ્યા છે.
મહત્વનું છે કે સુરતની મહિલાઓ ઈન્ડિયા-ઈન્ડિયાના નારા લગાવીને ભારતને સપોર્ટ કરી રહી છે. ઉપરાંત ભારતીય ટીમની જીતની પ્રાર્થના પણ કરી રહી છે. મહત્વનું છે કે આજે ભારત મેચ જીતીને વિશ્વકપ જીતે તે માટે ગુજરાત સહિત દેશભરના અનેક મંદિર અને ધર્મસ્થાનોમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે. વિવિધ યજ્ઞ પૂજા હવન અને વિશેષ પૂજાનું આયોજન પણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
મહત્વનું છે કે વડોદરા, ગાંધીનગર અને રાજકોટમાં દર્શકો વિશાળ સંખ્યામાં બેસીને મેચની મજા માણી શકે તે માટે શહેર મનપા દ્વારા વિશાળ સ્ક્રીન સાથે વિવિધ સ્થાનોએ મેચનું જીવંત પ્રસારણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરામાં આવી વ્યવસ્થા અકોટા સ્ટેડિયમ ખાતેના સયાજીબાગ ગેટ નંબર 2 ખાતે કરવામાં આવી છે. ઠીક આવી જ વ્યવસ્થા રાજકોટ મનપા દ્વારા પણ કરવામાં આવી છે. રાજકોટ મનપા દ્વારા રેસકોર્સ પાસે માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડમાં રાજકોટિયન્સ માટે ખાસ વિશાળ સ્ક્રીન લગાવવામાં આવી છે. અહીં મેચનું લાઈવ ટેલિકાસ્ટ 80*30 ની વિશાળ સ્ક્રીન પર થઈ રહ્યું છે, જેથી લાઈવ ટેલિકાસ્ટ જોઈ રાજકોટિયન્સ ટીમ ઈન્ડિયાને ચીયર કરી શકે. આ ઉપરાંત ગાંધીનગર શહેરમાં પણ જાહેર જનતા માટે આવી જ વ્યવસ્થા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે કરવામાં આવી છે. અહીં પણ લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને ટીમ ઈન્ડિયાને ચીયર કરે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે.


