- ઉત્તરકાશી ટનલ રેસક્યુનો 9મો દિવસ
- 41 શ્રમિકોને બચાવવા રેસક્યુની કામગીરી યથાવત
- પીએમ મોદીએ સીએમ ધામી સાથે કરી વાત
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારાથી દાંડલગાંવ સુધી નિર્માણાધીન ટનલની અંદર ભૂસ્ખલન થયું છે.ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા મજૂરો હજુ સુધી બહાર આવી શક્યા નથી. આજે રેસ્કયુ ઓપરેશનનો 9મો દિવસ છે. શ્રમિકોને બચાવવાની પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે આ મામલે પીએમ મોદી પણ ચિંતિત જણાયા. તેમણે સીએમ ધામી સાથે ટેલિફોનિક વાતચીત કરી અને શ્રમિકોને જલદીથી બહાર લાવવા માટે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી છે.
41 શ્રમિકો છે ફસાયેલા
દિવાળીના દિવસે ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલ ધરાશાયી થવા મામલે ફસાયેલા 41 કામદારોને હજુ સુધી બચાવી શકાયા નથી. બેકઅપ પ્લાન તરીકે ટનલ ઉપર ડ્રિલિંગ માટે કામચલાઉ રસ્તાનું કામ અંતિમ તબક્કામાં છે. ટનલની અંદરના ડ્રિલિંગ મશીનને ભૂસ્ખલનથી બચાવવા માટે તેને કોંક્રિટ બ્લોક્સથી પણ આવરી લેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ BRO દ્વારા આ કોન્ક્રીટ બ્લોક ખાસ મોકલવામાં આવ્યા છે. NHIDCLના અધિકારીઓનું કહેવું છે કે એકવાર ડ્રિલિંગ મશીનની સલામતી મજબૂત થઈ જશે પછી પાઈપ નાખવાનું કામ ફરી શરૂ થશે.
બહાર નીકળવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છેઃ સીએમ ધામી
મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ પોતે ઘટનાસ્થળે ગયા હતા અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. અને બચાવ કામગીરી પર સતત નજર રાખી રહ્યા છે. . ત્યાં મેડિકલ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ટનલની અંદર ફસાયેલા તમામ કામદારો સુરક્ષિત છે અને તેમને જલ્દીથી બહાર કાઢવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે પીએમ મોદીએ આ મામલે
ત્રણ વખત મુખ્યમંત્રી પાસેથી સ્થિતિની માહિતી લીધી છે. પીએમઓની ટીમે પણ સ્થળનું નિરીક્ષણ કર્યું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
પીએમ મોદીએ કરી સ્થિતિ અંગે જાણકારી મેળવી
પીએમ મોદીએ સીએમ પુષ્કર સિંહ ધામીને ફોન કરીને ઉત્તરકાશીના સિલ્ક્યારા પાસે ટનલમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ચાલી રહેલા રાહત અને બચાવ કામગીરીની માહિતી લીધી હતી. પીએમએ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી બચાવ સાધનો અને સંસાધનો આપવામાં આવી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ વચ્ચેના પરસ્પર સંકલનથી કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે. ફસાયેલા કામદારોનું મનોબળ જાળવી રાખવાની જરૂર છે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ પરસ્પર સંકલન અને તત્પરતા સાથે રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. ટનલમાં ફસાયેલા કામદારો સુરક્ષિત છે અને ઓક્સિજન, પૌષ્ટિક ખોરાક અને પાણી આપવામાં આવી રહ્યું છે.
પીએમ મોદીએ ફોન પર કરી વાત
રવિવારે રાત્રે 10 વાગ્યે સિલ્ક્યારા ટનલમાં ઓગર મશીન વડે ફરીથી ડ્રિલિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ભૂસ્ખલનનું જોખમ ઘટાડવા માટે મશીનો વડે કોંક્રીટનો છંટકાવ કરવામાં આવ્યો છે. બેકઅપ પ્લાન મુજબ ટનલ ઉપર ડ્રિલિંગ માટે કામચલાઉ રોડ બનાવવાનું કામ પણ અંતિમ તબક્કામાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ ધામી સાથે ફોન પર વાત કરી અને રાહત કાર્યની માહિતી લીધી.


