- ચૂંટણી પૂરી થતાંની સાથે જ રાજસ્થાનની ધરતી રક્ત રંજીત થઈ
- શ્યામનગરમાં સુખદેવ સિંહ ગોગામેડી પર બે શખ્સોએ કર્યો ગોળીબાર
- ઇજાગ્રસ્ત સુખદેવ સિંહ ગોગામેડીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
રાજસ્થાનની રાજધાની જયપુરમાં મંગળવારે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી છે. સુખદેવ સિંહને શ્યામનગરમાં ગોળી મારવામાં આવી હતી. કેટલાંક અજ્ઞાત યુવકો તેમના પર ગોળીબાર કરીને ફરાર થઈ ગયા હતા. આ ફાયરિંગમાં સુખદેવ સિંહને બે થી ત્રણ ગોળી વાગી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે માનસરોવર ખાતે મેટ્રો માસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ડોકટરો સારવાર શરૂ કર્યા બાદ થોડા જ સમયમાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
સમગ્ર ઘટનાના CCTV થયા વાયરલ
સુખદેવ સિંહ હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે ચાર બદમાશોએ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. હુમલા કર્યા બાદ બે બદમાશો બાઇક પર ફરાર થઈ ગયા હતા જ્યારે અન્ય બે બદમાશોએ સ્કૂટી ચાલકને ગોળી મારીને સ્કૂટી છીનવી લીધું હતું. સ્કૂટી સવાર નવીનને પણ ગોળી વાગી હતી. એસએમએસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સુખદેવ સિંહનું મોત થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ નજીકમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ અને અન્ય માધ્યમો દ્વારા આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ચાર પૈકી બે બદમાશો સીસીટીવી ફૂટેજમાં કેદ થયા છે. પોલીસ તેમને શોધી રહી છે.
અજીત સિંહ પર પણ હુમલો, ગંભીર રીતે ઘાયલ
સુખદેવ સિંહ પર ફાયરિંગ દરમિયાન ત્યાં હાજર અજીત સિંહ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. બીજી બાજુ ફાયરિંગની સૂચના મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી. આસપાસના તમામ મુખ્ય રસ્તાઓ પર નાકાબંદી કરી દેવામાં આવી છે અને CCTV ફૂટેઝ તપાસવામાં આવી રહ્યા છે.
સ્કૂટર પર આવેલા હુમલાખોરોની શોધખોળ
શ્યામનગર પોલીસ સ્ટેશન આ મામલે તપાસ કરી રહી છે. પોલીસ સ્કૂટર પર આવેલ બે હુમલાખોર શખ્સોની શોધખોળ કરી રહી છે. બપોરે લગભગ 1.45 કલાકે આ બદમાશોએ સુખદેવ સિંહ ગોગામેડી પર ફાયરિંગ કર્યું હતું. રાજધાનીમાં ચૂંટણીના માહોલ વચ્ચે મંગળવારે આ હત્યાકાંડે સૌને ચોંકાવી દીધા છે. તો, સમગ્ર મામલે પોલીસ જલ્દી ખુલાસા કરવા માટે CCTV ફૂટેજની તપાસ કરી રહી છે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી હતી ધમકી
શ્યામનગરમાં દાનપાણી રેસ્ટોરન્ટ પાછળ આ હત્યાકાંડ સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સંપત નેહરાએ થોડા સમય પહેલા સુખદેવ સિંહને ધમકી આપી હતી. ત્યારબાદ, આ મામલે જયપુર પોલીસને એક મેમોરેન્ડમ આપવામાં આવ્યું હતું.


