- વસુંધરાના ડિનર અને પ્રેશર પોલિટીક્સમાં નવો વળાંક
- વસુંધરા રાજે સિંધિયાએ ભાજપ હાઈકમાન્ડ સાથે કરી વાત
- “હું અનુશાસિત કાર્યકર છું અને પાર્ટી લાઇનની બહાર નથી.”
રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે. આ દરમિયાન વસુંધરા રાજેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વસુંધરા રાજે જે ચૂંટણી પરિણામો બાદ પાર્ટી નેતૃત્વ પર દબાણ બનાવવા માટે ડિનર પોલિટીક્સ અને પ્રેશર પોલિટીક્સ કરી રહ્યા હતા તેમણે હવે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પાર્ટી લાઇનથી આગળ નહીં જાય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ધારાસભ્યો સાથે મુલાકાત બાર વસુંધરા રાજે સિંધિયાએ ભાજપ હાઈકમાન્ડ સાથે ફોન પર વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે તે પાર્ટીની અનુશાસિત કાર્યકર છે અને ક્યારેય પાર્ટી લાઇનની બહાર જઈ શકે નહીં.
જણાવી દઈએ કે, આ પહેલા વસુંધરા રાજે શક્તિ પ્રદર્શનના મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે ડિનર માટે 20 થી વધુ ધારાસભ્યોને મળ્યા હતા. ત્યારબાદ, વસુંધરા કેમ્પે દાવો કર્યો હતો કે તેમની પાસે 68 ધારાસભ્યોનું સમર્થન છે. આ સિવાય કેટલાક અપક્ષો પણ તેમની સાથે હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
રાજસ્થાનમાં સીએમ પદની રેસમાં કોણ-કોણ?
રાજસ્થાનમાં સીએમ પદની રેસમાં ભાજપ તરફથી ઘણા ચહેરાઓ છે. વસુંધરા રાજે સિવાય આમાં પહેલું નામ બાબા બાલકનાથનું છે. તેઓ તિજારાથી વિધાનસભા પહોંચ્યા છે. આ લિસ્ટમાં બીજું નામ જયપુરના રાજવી પરિવારની રાજકુમારી દિયા કુમારીનું છે. આ બંને લોકસભાના સભ્ય છે પરંતુ હવે પાર્ટીએ તેમને વિધાનસભાની ચૂંટણીમાં ઉતાર્યા હતા.
ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી કોણ? ભાજપમાં મંથન તેજ
5 રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં 3 રાજ્યોમાં ભાજપનો વિજય થયો છે. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. પાંચેય રાજ્યોમાં ભાજપ મુખ્યમંત્રીના ચહેરા વગર ચૂંટણી મેદાને ઉતરી હતી. આવી સ્થિતિમાં ત્રણ રાજ્યોમાં કોણ મુખ્યમંત્રી બનશે તે અંગે હાઇ વૉલ્ટેજ પર મંથન ચાલી રહ્યું છે.
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસ સ્થાને લગભગ 4 કલાક બેઠક કરી હતી. આજે ગુરુવારે પણ ગૃહમંત્રી અમિત શાહ પીએમ હાઉસ પહોંચ્યા હતા. આ બીજા તબક્કાની બેઠક હતી. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ત્રણેય રાજ્યોના સીએમ ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી છે.
રાજસ્થાનમાં ન બદલાયો રિવાજ
રાજસ્થાનમાં એવો ચૂંટણી રિવાજ છે કે દર 5 વર્ષે સત્તા પરિવર્તન થાય છે. કોંગ્રેસે દાવો કર્યો હતો કે આ વખતે આ રિવાજ બદલાશે અને કોંગ્રેસનું શાસન ચાલુ રહેશે. પરંતુ આવું ન થયું. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો. રાજ્યની કુલ 199 બેઠકોમાંથી ભાજપે 115 બેઠકો જીતી. જ્યારે કોંગ્રેસને માત્ર 69 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. રાજસ્થાનમાં 8 અપક્ષ નેતાઓ પણ ચૂંટણી જીત્યા છે.


