- ખાલી જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયાઓ તેજ કરાઈ
- પીવાના પાણીની સવલત વગર કેટલાંક કેન્દ્રો ચાલી રહ્યાં છે
- સરકારના એક અહેવાલ પ્રમાણે ગુજરાતમાં બે હજારથી વધુ આંગણવાડી
ગુજરાતમાં 5,123 આંગણવાડી સહાયક અને 1484 આંગણવાડી કાર્યકરની જગ્યાઓ ખાલી પડી છે, આમ આંગણવાડીઓમાં 6607 જેટલી જગ્યાઓ ખાલી છે. બીજી તરફ સરકારે આ જગ્યાઓ ભરવા માટે તાજેતરમાં જ પ્રક્રિયા શરૂ કરી છે, જેમાં અંદાજે 10 હજાર જેટલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ હતી, સંભવિત ખાલી પડનારી જગ્યાને ધ્યાને લઈને પણ પ્રક્રિયા આદરાઈ છે. આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણની કામગીરી થતી હોય છે, આ ઉપરાંત કાર્યકરો ઘરે ઘરે જઈને આરોગ્ય અને પોષણ સંબંધિત માહિતી આપતાં હોય છે, સાથે જ અન્ય સરકારી યોજનાઓની અમલવારી કરાવતાં હોય છે.
સરકારના એક અહેવાલ પ્રમાણે ગુજરાતમાં બે હજારથી વધુ આંગણવાડી એ છે જ્યાં હજુ સુધી પીવાનું પાણી પહોંચ્યું નથી. 1200થી વધુ કેન્દ્રોમાં શૌચાલયની સવલત ઊભી કરી શકાઈ નથી. ગુજરાતમાં 50 હજાર કરતાં વધુ આંગણવાડી કેન્દ્રો આવેલા છે. સંખ્યાબંધ આંગણવાડી કેન્દ્રો એવા છે જે આજે પણ ખુલ્લી જગ્યામાં ચાલે છે. કેન્દ્રના અહેવાલ પ્રમાણે મધ્યપ્રદેશમાં 2795 આંગણવાડી સહાયકની જગ્યા ખાલી છે, એ જ રીતે છત્તીસગઢમાં 2868, કર્ણાટકમાં 4849, મહારાષ્ટ્રમાં 16,573, રાજસ્થાનમાં 1600, ઉત્તર પ્રદેશમાં 34,835, પશ્ચિમ બંગાળમાં 19,972, તેલંગાણામાં 7038, બિહારમાં 2634 તેમજ આંધ્રપ્રદેશમાં 1561 જેટલા સહાયકોની જગ્યા ખાલી છે.


