- બે બચ્ચાં સાથે દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ
- રાત્રિના સમયે લાઈટ આવતાં ખેતરમાં ઘઉંના પાકમાં પાણી વાળવા જતાં ગભરાઈ રહ્યા છે
- દીપડો છેલ્લા ચાર દિવસથી બે બચ્ચાં સાથે ફરતો હોવાનું લોકો કહી રહ્યા છે
મેઘરજ તાલુકાના ભેમાપુર ગામે આવેલ પાંટા ખાંટ ફળીયામાં ગત શનીવારની રાત્રીએ દીપડાએ બે બકરાંનું મારણ કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી દીપડો બે બચ્ચાં સાથે ફરી રહ્યો હોવાનું લોકોનું કહેવુ છે.
આ ઘટનાની મળતી માહીતી મુજબ ભેમાપુર ગામે આવેલ પાંટા ખાંટ ફળીયામાં ગત શનિવારની રાત્રીએ ડામોર ભગાભાઈ માંનાભાઈના ઘરના વરંડામાં બાંધેલ બે બકરાંનું દીપડાએ મારણ કર્યુ હતું. દીપડો આવી ચડતાં બકરાંએ કરેલ ચીચીયારીઓના કારણે ફળીયાના લોકો જાગી ગયા હતા પણ ત્યાં સુધીમાં તો દીપડાએ બે બચ્ચાંનું મારણ કરી દીધુ હતુ. આ વિસ્તારમાં દીપડો છેલ્લા ચાર દિવસથી બે બચ્ચાં સાથે ફરતો હોવાનું લોકો કહી રહ્યા છે. દીપડાના આગમનના કારણે આ વિસ્તારમાં આવેલ નર્સરીના રસ્તે શાળામાં જતાં બાળકો પણ ગભરાઈ રહ્યાં છે. લોકો રાત્રીના સમયે લાઈટ આવતાં ખેતરમાં ઘઉંના પાકમાં પાણી વાળવા જતાં પણ ગભરાઈ રહ્યા છે. શનીવારે પાંટા ફળીયામાં આવેલ દીપડાના પગલાંના નિશાન પણ સ્પષ્ટ પણે દેખાઈ રહ્યાં છે. મેઘરજનું વન ખાતુ આ દીપડાને પાંજરે પુરે તેવી પણ ગામ લોકોની માંગ છે.


