- તા.10 ડિસેમ્બરે કારોબારી સમિતિના સભ્યોની ચુંટણી યોજાઈ હતી
- કુલ 1,340 પૈકી 936એ મતાધિકારનો ઉપયોગ કર્યો
- 4 વાગે મતદાન પૂર્ણ થયા બાદ લગભગ દોઢ કલાક પછી મતગણતરી શરૂ થઈ
હિંમતનગર કેળવણી મંડળની રવિવાર તા.10 ડિસેમ્બરે કારોબારી સમિતિના સભ્યોની ચુંટણી યોજાઈ હતી. જેમાં મતદાન શરૂ થતાની સાથે જ ઉમેદવારો અને તેમના ટેકેદારોએ મતદાન મથકની બહાર આવીને મતદારોને પોતાની પેનલ તરફી મતદાન કરવા અપીલ કરી હતી. સવારે 9 વાગ્યે શરૂ થયેલુ મતદાન સાંજના 4 વાગ્યે પૂર્ણ થયા બાદ અંદાજે 70 ટકાથી વધુ મતદાન થયાનું સૂત્રોમાંથી જણાવાયું હતુ.
કેળવણી મંડળના આજીવન, મુખ્ય દાતા અને દાતા વિભાગમાં ચુંટણી લડતા 39 ઉમેદવારો વચ્ચે ચુંટણીનો જંગ જામ્યો હતો કેળવણી મંડળમાં અંદાજે 1340 મતદારો મતાધિકાર ધરાવે છે ત્યારે રવિવારે મતદાન પૂર્ણ થયા બાદ અંદાજે 936 મતદારોએ મતદાન કર્યુ હતુ. જોકે સલામતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. શરૂઆતમાં મતદાન પ્રક્રીયા ધીમી રહી હતી પરંતુ ચાર કલાકમાં લગભગ 800 મતદારોએ મતદાન કર્યુ હતુ.
કેળવણી મંડળના બોર્ડ ઓફ ડીરેકટર્સની 16 બેઠકો માટે હિંમત હાઈસ્કુલના ત્રણ બિલ્ડીંગમાં મતદાન થયુ હતુ. મતદાન પૂર્વે વિકાસ પેનલ અને પ્રગતિ પેનલના ઉમેદવારોએ વિવિધ મુદ્દે મતદારોનો સંપર્ક કરીને મત માગ્યા હતા. નોંધનીય છે કે નિયામક મંડળના આજીવન વિભાગમાં પાંચ બેઠકો બિનહરીફ થઈ હતી. જયારે દાતા અને મુખ્ય દાતા વિભાગમાં તથા આજીવન વિભાગમાં બે મળી અંદાજે 39 ઉમેદવારોએ ચુંટણી જંગમાં ઝંપલાવ્યુ હતુ.
4 વાગે મતદાન પૂર્ણ થયા બાદ લગભગ દોઢ કલાક પછી મતગણતરી શરૂ થઈ હતી ત્યારબાદ મોડેથી પરિણામ જાહેર થયા બાદ વિજેતા ઉમેદવારો અને ટેકેદારોએ વિજયોત્સવ સાથે આનંદોત્સવ મનાવ્યો હતો. જોકે પરિણામ જાહેર થયા બાદ હારજીત અંગે હિંમતનગરવાસીઓએ અનેક સમીકરણો સાથે પરિણામને સરખાવ્યુ હતુ.


