- સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે તે પહેલા જ કપિલ સિબ્બલે સ્વીકારી લીધી હતી હાર
- આર્ટીકલ 370 નાબૂદીના સરકારના નિર્ણયને મળી સુપ્રીમ કોર્ટની બંધારણીય મંજૂરી
- સંસ્થાગત કાર્યવાહીઓની યોગ્યતા પર આગામી વર્ષોમાં ચર્ચા કરવામાં આવશે: સિબ્બલ
જમ્મુ કાશ્મીરમાં આર્ટીકલ 370 નાબૂદ કરવાની બંધારણીય માન્યતા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે તેમના ટ્વિટર હેન્ડલ પરથી કરેલ એક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘કેટલીક લડાઈઓ માત્ર હારવા માટે જ લડવામાં આવતી હોય છે’. કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં અરજદારોનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેમણે બંધારણની આર્ટીકલ 370 નાબૂદ કરવાની માન્યતાને પડકારી હતી. આ અનુચ્છેદ જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતું હતું, જેને કેન્દ્ર સરકાર દ્વારા 5 ઓગસ્ટ, 2019 ના રોજ રાષ્ટ્રપતિના આદેશ દ્વારા રદ કરવામાં આવ્યો હતો.
કપિલ સિબ્બલે ચુકાદા પહેલા જ કર્યું હતું ટ્વિટ
હવે, આ મુદ્દે સુપ્રીમ કોર્ટે એ નક્કી કરવાનું હતું કે શું 5 ઓગસ્ટ 2019ના રોજ રાષ્ટ્રપતિનો આદેશ કાનૂની અને બંધારણીય રૂપે માન્ય હતો? કપિલ સિબ્બલે ચુકાદા આવતા પહેલા જ ટ્વિટર પર પોસ્ટમાં જણાવ્યું હતું કે, “સંસ્થાગત કાર્યવાહીઓના યોગ્ય અને અયોગ્ય હોવાને લઈને આગામી વર્ષોમાં ચર્ચા કરવામાં આવશે.” તેમણે આગળ લખ્યું હતું કે ‘ઇતિહાસે પેઢીઓને જાણવા માટે અસુવિધાજનક તથ્યો નોંધવા જોઈએ’. ઇતિહાસ માત્ર તે ઐતિહાસિક નિર્ણયોના નૈતિક હોકાયંત્રનો અંતિમ મધ્યસ્થી છે”. સર્વોચ્ચ અદાલતની બંધારણીય ખંડપીઠે પોતાના ચુકાદામાં કહ્યું કે કલમ 370 અંગે કેન્દ્ર સરકારનો 5 ઓગસ્ટ, 2019નો નિર્ણય અકબંધ રહેશે. એટલે કે સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને બંધારણીય રીતે યોગ્ય ગણાવ્યો હતો.
આર્ટીકલ 370 પર પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે શું કયું?
ચીફ જસ્ટિસ ડિવાય ચંદ્રચૂડે ચુકાદો સંભળાવતા ટિપ્પણી કરી કે જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. અહી ભારતનું બંધારણ ચાલશે. તેની પાસે કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી. ત્યાંના રાજા દ્વારા જમ્મુ અને કાશ્મીરનું સાર્વભૌમત્વ ભારતને સોંપવામાં આવ્યું હતું. આર્ટીકલ 370 અસ્થાયી જોગવાઈ હતી. રાજ્યમાં યુદ્ધની સ્થિતિને કારણે તે કામચલાઉ હેતુ માટે રજૂ કરવામાં આવી હતી. આમ તેને બંધારણના ભાગ 21માં સ્થાન આપવામાં આવ્યું છે.
જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ કરવાના 2019ના રાષ્ટ્રપતિના આદેશની માન્યતા પર પોતાનો ચુકાદો સંભળાવતી વખતે, સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘રાષ્ટ્રપતિની સૂચના પર ટિપ્પણી કરવી યોગ્ય નથી. તેથી તેની વિચારણા કરવામાં આવી નથી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની પાંચ જજોની બંધારણીય બેંચે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્રના નિર્ણય વિરુદ્ધ અરજીઓની બેચ પર ચુકાદો આપ્યો હતો.


