જંગલેશ્વરમાં ડિમોલેશનના બે મહિના બાદ પણ ૧૫ મીટરનો રોડ નહી બનતા ઉડતી ધૂળની ડમરીઓ
૬૦ દિવસ વિતવા છતાં કોઇ કામગીરી નહી થતાં ચોમાસામાં પૂરનું મંડરાતુ જોખમ : કાટમાળ હટાવવાની કામગીરી અધૂરી હોવાથી પ્રદુષણ અને ગંદકીનું પ્રમાણ ચિંતાજનક વધ્યુ હોવાની રાવ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત ફેબ્રુઆરીમાં વોર્ડ નં. 16ના જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટમાં થયેલા દબાણો દૂર કરવા માટે ડિમોલિશન હાથ ધરાયું હતું. અંદાજે 1500 ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. તંત્રએ ત્યારે એવા દાવા કર્યા હતા કે આ કામગીરીથી વિસ્તારનો નકશો બદલાશે અને 15 મીટરનો પહોળો ટીપી રોડ આકાર લેશે. જોકે, આ ઐતિહાસિક ગણાતા ડિમોલિશનના બે મહિના બાદ પણ પરિસ્થિતિ ઠેરની ઠેર છે. રોડ બનાવવાની વાત તો દૂર રહી, તંત્ર હજુ સુધી કાટમાળ હટાવવામાં પણ નિષ્ફળ રહ્યું છે.
વોર્ડ નં. 16ની પ્રજાએ તાજેતરની મહાનગરપાલિકાની ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપ વિરુદ્ધ જે જનાદેશ આપ્યો છે, તેની પાછળ ડિમોલિશન બાદની તંત્રની ઘોર બેદરકારી મુખ્ય કારણ હોવાનું મનાય છે. લોકોમાં ભારે રોષ છે કે તંત્રએ રહેણાંક મકાનો તોડી તો પાડ્યા, પરંતુ ત્યારબાદ પાયાની સુવિધાઓ આપવામાં ઉદાસીનતા દાખવી છે. આચારસંહિતા લાગુ થાય તે પહેલા પૂરતો સમય હોવા છતાં, 15 મીટરના રોડનું ડિમાર્કેશન કે લેવલિંગ કરવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિકો આજે ધૂળ અને પથ્થરો વચ્ચે જીવવા મજબૂર બન્યા છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા વિસ્તાર સાફ કરી દેવાના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ છે. ડિમોલિશન બાદ ખડકાયેલો ‘સી એન્ડ ડી’ વેસ્ટ હજુ પણ મોટા ઢગલા સ્વરૂપે ત્યાં જ પડ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કામગીરી પૂરી થયા બાદ એક પણ ઉચ્ચ અધિકારીએ મુલાકાત લીધી નથી. તંત્રની આ નિષ્ક્રિયતાને કારણે પરિવહન ખોરવાયું છે અને પ્રદૂષણ તેમજ ગંદકીનું પ્રમાણ પણ ચિંતાજનક રીતે વધ્યું છે.
સૌથી ગંભીર બાબત આગામી ચોમાસું છે. આજી નદીના પટમાં પડેલો કાટમાળ અને પથ્થરો નદીના કુદરતી પ્રવાહને અવરોધી શકે છે. જો જૂન મહિના પહેલા આ કાટમાળ યુદ્ધના ધોરણે હટાવવામાં નહીં આવે, તો જંગલેશ્વર અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની ગંભીર સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. જે પૂરના ભયને ટાંકતા કમિશનરે દબાણો દૂર કરાવ્યા હતા, તે જ જોખમ અત્યારે કાટમાળને કારણે વધી ગયું છે.
સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું છે કે કાટમાળ હટાવવાની પ્રક્રિયા બે ભાગમાં વહેંચાઈ છે. રોડના વિસ્તારમાં કોર્પોરેશનની મશીનરીથી કામ શરૂ કરાયું છે, જ્યારે નદીના પટમાં રહેલા મલબાના નિકાલ માટે પ્રાઈવેટ એજન્સીને ટેન્ડરથી કામ સોંપવાની પ્રક્રિયા ચાલુ છે. તેમણે દાવો કર્યો છે કે મે મહિનાથી જૂન મધ્ય સુધીમાં મોન્સૂન પ્લાનિંગ હેઠળ આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વોર્ડ નં. 16માં ભાજપની આખી પેનલનો પરાજય અને કોંગ્રેસનો વિજય એ તંત્ર અને શાસકો માટે લાલબત્તી સમાન છે. મતદારોનું માનવું છે કે માત્ર ઘર તોડવાથી વ્યવસ્થા સુધરતી નથી, તોડ્યા પછી નવી વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી પણ તંત્રની જ હોય છે. 15 મીટરના રોડની આશાએ બેઠેલા લોકો હવે છેતરાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. અધિકારીઓની ઉદાસીનતાને કારણે શાસક પક્ષે રાજકીય કિંમત ચૂકવવી પડી છે. આગામી દિવસોમાં આ મામલે નક્કર કામગીરી નહીં થાય, તો પરિસ્થિતિ વધુ સ્ફોટક બની શકે છે.


