- પિતાએ મારી કે મારા નાના ભાઈ પ્રત્યેની કોઇ જવાબદારી પૂરી કરી નથી
- વાઇરલ વીડિયોમાં ભગવંત માનની પુત્રીએ માતા અને ભાઈ-બહેનની આપવીતી વર્ણવી
- તેણે વધુમાં જણાવ્યું હતું કે તેના ભાઈને રાત્રે સીએમ આવાસની બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રીએ તેની સામે ચોંકાવનારા આરોપો મૂક્યા છે. સીરત કૌર માને આરોપ લગાવ્યો છે કે તેની માતા અને પોતાની પૂર્વ પત્નીને ભગવંત માને ભાવનાત્મક અને શારીરિક રીતે ટોર્ચર કરી છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે તેના ભાઈને રાત્રે સીએમ આવાસની બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલાં આ વીડિયોમાં સીરતે માન પર આક્ષેપ કર્યો હતો કે તેઓ શરાબ પીને ગુરુદ્વારામાં આવે છે અને શરાબ પીને વિધાનસભામાં પણ જાય છે. તેણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ વીડિયો બનાવવા પાછળનો ઉદ્દેશ જરાપણ રાજકીય નથી. તેણીએ કહ્યું હતું કે આ વીડિયો બનાવવા પાછળનો એકમાત્ર ઉદ્દેશ એ છે કે હવે અમારી વાત પણ લોકો સામે આવે. આમ આદમી પાર્ટીએ ટિપ્પણી કરવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે આ ભગવંત માનનો અંગત મામલો છે.
અમે ચૂપ છીએ એટલે તેઓ સીએમ છે : સીરત
સીરતે જણાવ્યું હતું કે અત્યાર સુધી લોકોએ ફક્ત સીએમ સાહેબની જ વાત સાંભળી છે. આજ સુધી મારી માતા ચૂપ રહી છે અને અમે બાળકો પણ ચૂપ રહ્યા છીએ પણ એવું લાગે છે કે અમારા મૌનને અમારી નબળાઈ સમજવામાં આવે છે. સીરતે જણાવ્યું હતું કે ભગવંત માનને એ બાબતનો અહેસાસ નથી કે અમારા મૌનના કારણે જ તેઓ આ પદ (સીએમ) પર બેઠા છે. તેણે આરોપ કર્યો હતો કે પિતાએ તેના અને તેણીના નાના ભાઈ પ્રત્યેની કોઇ જવાબદારી પૂરી કરી નથી.


