- પ્રાથમિકમાં 22,721 અને માધ્યમિક-ઉચ્ચ માધ્યમિકમાં 1,027 શિક્ષકોની ઘટ
- વિકસિત ગણાવાતા ગુજરાતમાં શિક્ષકોની ઘટના લેટેસ્ટ આંકડા લોકસભામાં જાહેર
- ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં 2,04,245 મંજૂર મહેકમ સામે 1,81,524 શિક્ષકો
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા રાજ્યવાર પ્રાથમિક શિક્ષણમાં યાને ધોરણ 1થી 8માં અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક સ્તરે ધોરણ 9થી 12માં શિક્ષકોની ઘટ અંગે સોમવારે લોકસભામાં લેટેસ્ટ આંકડા જાહેર થયા છે અને એ મુજબ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં મંજૂર મહેકમ સામે 22,721 શિક્ષકોની તથા ધોરણ 9થી 12માં 1,027 શિક્ષકોની ઘટની વિગતો બહાર આવી છે. શિક્ષકોની ઘટની બાબતમાં ગુજરાત દેશમાં પ્રાથમિક શિક્ષણ સ્તરે 10મા ક્રમે અને માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્તરે 15મા ક્રમે છે.
ગુજરાત માટે શરમજનક એ છે કે પ્રાથમિક સ્તરે શિક્ષકોની મહારાષ્ટ્ર, ગોવા તથા કેરળમાં શૂન્ય ઘટ છે, જ્યારે તામિલનાડુમાં 1,753, તેલંગણામાં 11,637ની કમી છે. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં 2,04,245 મંજૂર મહેકમ સામે 1,81,524 શિક્ષકો છે અને 22,721 શિક્ષકોની જગ્યા ખાલી છે. બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં પ્રાથમિક શિક્ષકોની ઘટ ગુજરાત કરતાં વધુ છે, પણ ત્યાં શિક્ષકોનું મહેકમ રાજ્ય કરતાં ઘણું વધારે છે.
રાજ્યમાં ધોરણ 9થી 12માં 4,892 શિક્ષકોની મંજૂર જગ્યાઓ સામે 3,865 શિક્ષકો છે અને 1,027 જગ્યાઓ ખાલી છે. પ્રાથમિક શિક્ષણની માફક જ આ સ્તરેય બીજા મોટા રાજ્યોની તુલનામાં ગુજરાતનું ચિત્ર શરમ ઉપજાવે તેવું છે. આ સ્તરેય બિહાર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ જેવા અનેક રાજ્યોમાં ગુજરાત કરતાં શિક્ષકોની ઘટ વધારે છે, પણ સામે શિક્ષકોની કુલ સ્ટ્રેન્થ રાજ્ય કરતાં ઘણી વધારે છે.


