- નકલીના કારોબારમાં ‘કમળછાપ’ ભાજપવાળાનો એકાધિકાર
- CMO, PMOના અધિકારી, કચેરી, મંત્રીના PA, ટોલનાકાના છેડા ભાજપમાં જ !
- PMOના બનાવટી અધિકારી કિરણ પટેલ સામે જમ્મુ કાશ્મિર સામે કાર્યવાહી
કાશ્મીરમાં PMOના અધિકારી થઈને સિક્યોરિટી- પ્રોટ્રોકોલ સાથે રોલો પાડનારા કિરણ પટેલથી શરૂ કરીને વડોદરામાં ગૃહમંત્રીનો PA હોવાનું કહીને પોલીસને ફટકારી, દોડતી કરી મૂકનાર લબરમૂછિયા સહિત સૌ કોઈનો છેડો ભાજપ સુધી જોડાયેલો છે. ખાદ્યપદાર્થો, ડોક્ટર, દવા, દારૂ અને છેલ્લે રહી જતું હતું તો આખી સરકારી કચેરી અને ટોલનાકા જેવી સરકારી સંચાલન હેઠળની વ્યવસ્થામાં પણ આવા ડોઝ ડઝન કમળછાપ આશ્રિાતોનો જ દબદબો ઉઘાડો પડયો છે. જેનાથી રાજ્યના નાગરિકોની સાધન સંપત્તિ, સરકારી તિજોરી અને નાગરિકોને જ સીધુ નુકસાન થયું છે. છતાંયે આવા ‘નકલી’ કારોબારમાં જ્યાં ભાજપનું કનેક્શન ખૂલે છે ત્યાં પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ, સરકારી તપાસ એજન્સીઓ તપાસને જ રફેદફે કરી રહ્યાનું ચિત્ર ઉપસ્યું છે.
PMOના બનાવટી અધિકારી કિરણ પટેલ સામે જમ્મુ કાશ્મિર સામે કાર્યવાહી થઈ છે પરંતુ, અહી CMOમાં તેમની સાથે જોડાયેલા હિતેશ પંડયાને રૂખસદ અપાયા બાદ CCTVના કરોડો રૂપિયાના ટેન્ડરો મેળવનાર અમિત પંડયા સામે કોઈ જ કાર્યવાહી કરવામાં થઈ નથી ! ઉલ્ટાનું એ બનવાટી અધિકારીના મિત્ર અને ભાગીદાર માટે હજી પણ અનેક શહેરોમાં કારોબાર ચાલી રહ્યો છે. તેવી જ રીતે વડોદરામાં ગૃહમંત્રીના PAની ઓળખાણ આપનારા વરુણ પટેલ, આકાશ પટેલ, પિનાકીન પટેલ સાથે ભાજપના સ્થાનિક નેતાઓના કનેક્શન ફૂટતા તપાસ અટકાવી દેવાયાનું બહાર આવ્યું છે. દાહોદમાં નકલી સરકારી કચેરી અને નકલી અધિકારીની ધરપકડ બાદ સ્થાનિક ભાજપના નેતાઓ અને જિલ્લા તંત્રના અધિકારીઓની સામેલગીરી જણાતા તપાસ ઢીલી કરી દેવાઈ છે. મોરબીના નકલી ટોલનાકામાં પણ ભાજપના નેતા સાથે જોડાયેલા આગેવાનના પુત્રનું નામ ખૂલ્યું છે. સરકારી તંત્ર અને વ્યવસ્થાઓ પહેલા રાજ્યમાં નકલી ઘી, તેલ, મરચું, હળદર, ચોખા, લોટ અને હવે ઊંઝાથી જીરાનો ખેલ ખુલ્લો પડયો છે. અગાઉ પણ નકલી જીરાના કારોબારી પણ ભાજપના નેતા સાથે ઘરેબો ધરાવતા હોવાનું બહાર આવ્યું હતું. આમ, અધિકાંશ નકલી, બનાવટી વેપાર અને અધિકારીઓ કેસમાં આરોપીઓના છેડા ક્યાંકને ક્યાંક ભાજપ સુધી રહ્યા છે. જેના કારણે તેનું પુનરાવર્તન થયા કરે છે તેવી ચર્ચા છે.


