- મોતની સજા પામેલી દીકરી માટે પ્રયાસ
- દીકરીને બચાવવા બ્લડ મની આપશે ભારતીય માતા
- પોતાની રિસ્ક પર કરશે યમનનો પ્રવાસ
મૃત્યુદંડની સજા પામી ચૂકેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયાની માતા પોતાની પુત્રીનો જીવ બચાવવા યુદ્ધગ્રસ્ત દેશ યમન જશે. દિલ્હી હાઈકોર્ટે મંગળવારે મૂળ કેરળની એક નર્સની માતાને પોતાના જોખમે યમન જવાની મંજૂરી આપી હતી. કોર્ટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો તેમને યમનમાં કંઈ થશે તો તેમાં ભારત સરકારની કોઈ જવાબદારી રહેશે નહીં. આ માતા ‘બ્લડ મની’ આપીને દીકરીનો જીવ બચાવવા માંગે છે. જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની આગેવાની હેઠળની બેન્ચે કેન્દ્ર સરકારને તેની ટ્રાવેલ એડવાઈઝરીમાં થોડી રાહત આપવા જણાવ્યું હતું, જેથી આ માતા યમન જઈ શકે.
હાલમાં ભારત યમન માટે વિઝા આપતું નથી. ભારતીય શખ્સ જેમનું નામ સેમ્યુઅલ જેરોમ છે અને જે યમનની રાજધાની સનામાં એરલાઇનના સીઇઓ તરીકે કામ કરે છે, તે નર્સ પ્રિયાની માતા પ્રેમા કુમારી સાથે મુસાફરી કરે તેવી અપેક્ષા છે. સેમ્યુઅલ તેને ભારત સરકારની કોઈપણ જવાબદારી વિના સંબંધિત અધિકારીઓ સાથે વાટાઘાટો કરવામાં મદદ કરશે. આદેશમાં એવું કહેવાયું છે કે, ‘કોર્ટે ભારત સરકારને નર્સની માતા માટે નોટિફિકેશનમાં રાહત આપવાનો નિર્દેશ આપ્યો છે. અરજદારે એફિડેવિટ દાખલ કરી છે કે તે ભારત સરકાર અથવા સંબંધિત રાજ્ય સરકારની કોઈપણ જવાબદારી વિના પોતાના અંગત જોખમે પુત્રીની મુક્તિ માટે વાટાઘાટો કરવા સેમ્યુઅલ સાથે યમન જશે.
મહત્વનું છે કે યમનની રાજધાની સના હુતી બળવાખોરો દ્વારા નિયંત્રિત છે, જેઓ સાઉદી અરેબિયા અને મિત્ર દેશોની સેનાઓની સામે હાલમાં યુદ્ધમાં વ્યસ્ત છે. મહત્વનું છે કે ભારત સરકાર હૂથી બળવાખોરોને માન્યતા નથી આપતી. આ જ કારણ છે કે ભારત અને યમનની વચ્ચે રાજદ્વારી સંબંધો નથી. ગયા અઠવાડિયે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલે કહ્યું હતું કે નર્સની માતાને મોકલવાથી એક ખતરનાક પરિસ્થિતિ સર્જાઈ શકે છે જ્યાં તેની સુરક્ષા સાથે પણ ચેડાં પણ થઈ શકે છે.
શું છે મામલો ?
હકીકતે આઠ વર્ષના બાળકની માતા પ્રિયા નિમિષા 2011થી યમનના સનામાં કામ કરતી હતી. પ્રિયા વર્ષ 2017માં યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યા માટે દોષી છે. મહદીના કબજામાંથી તેનો પાસપોર્ટ છોડાવવા માટે પ્રિયાએ તેને ડ્રગ્સનું ઇન્જેક્શન આપ્યું હતું. મહદીનું મોત એનેસ્થેટિકના ઓવરડોઝથી થયું હતું. આ કેસમાં પ્રિયા અને અન્ય એક વ્યક્તિને મોતની સજા ફટકારવામાં આવી હતી. માતાએ હાઈકોર્ટ સમક્ષ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે તેની પુત્રીનો જીવ બચાવવા તે યમનમાં મૃતકના પરિવાર સાથે ‘બ્લડ મની’ આપવા અંગે વાત કરવા માંગે છે. બ્લડ મની એ કોઈ કેદીની મુક્તિ માટે તેના બદલામાં આપવામાં આવતી રકમને કહેવામાં આવે છે.


