- કોરોનાને ધ્યાનમાં રાખી UGMEB દ્વારા મેડિકલના વિદ્યાર્થીઓ માટે નિર્ણય
- પ્રથમ વર્ષમાં ચાર ટ્રાય પછી પણ નાપાસ થનાર વિદ્યાર્થીનો પ્રવેશ રદનો નિયમ
- મેડિકલ અભ્યાસમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી
વર્ષ-2020-21ના શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને કોરોના મહામારીની મોટી અસર થઈ હતી, જેના કારણે વિવિધ બોર્ડ દ્વારા આ વિદ્યાર્થીઓ પાસ થઈ શકે તેવા સરળ નિર્ણયો કરાયા હતા. જોકે મેડિકલ અભ્યાસમાં આ સમયે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે પણ નેશનલ મેડિકલ કમિશન NMC અંતર્ગત અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ (UGMEB) દ્વારા ઘણો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. UGMEB દ્વારા કરાયેલ જાહેરાત મુજબ વર્ષ-2020-21માં મેડિકલના પ્રથમ વર્ષમાં MBBSમાં પ્રવેશ મેળવ્યો હોય અને નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓને પાસ થવા પાંચમી વખત તક અપાશે.
મેડિકલમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી જો પરીક્ષામાં એકથી ત્રણ વખત નાપાસ થાય તો પણ તેને ચોથી તક આપવામાં આવે છે. ચાર ટ્રાય બાદ પણ નાપાસ થાય તે વિદ્યાર્થીનો પ્રવેશ રદ કરી દેવાય છે. જોકે વર્ષ-2020-21માં રાજ્ય સહિત દેશભર અને વિશ્વના અન્ય દેશોમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. જેના કારણે શૈક્ષણિક સંસ્થાઓમાં ફિઝિકલ શિક્ષણકાર્ય પર રોક લાગી ગયો હતો. જેથી શિક્ષણમાં વિદ્યાર્થીઓને ઘણી ખોટ ગઈ છે. આ દરમિયાન મેડિકલ અભ્યાસમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. જેથી રાજ્ય સહિત દેશના ઘણા MBBSના વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષમાં જ ચાર-ચાર ટ્રાય બાદ પણ નાપાસ થયાં હોવાની અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ (UGMEB) સમક્ષ રજૂઆતો ગઈ હતી. જેથી બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, વર્ષ-2020-21માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પાસ થવા માટે પાંચમી તક આપવામાં આવશે અને આ નિર્ણય માત્ર કોરોના મહામારી દરમિયાન પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી પુરતો જ રહેશે.


