- બિલ્ડિંગ જર્જરીત હોવાથી નિર્ણય લેવાયો
- બંને શાળાના 138 જેટલા વિદ્યાર્થીઓને નજીકની શાળામાં ટ્રાન્સફર કરાશે
- સ્કૂલ સામે અનિયમિતતાની ડીઈઓ કચેરી સમક્ષ ફરિયાદ આવી હતી
અમદાવાદ શહેરની વધુ બે સ્કૂલોની માન્યતા રદ કરવાનો પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા નિર્ણય લેવાયો છે. હાટકેશ્વર વિસ્તારમાં આવેલી અને નૂતન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નુતન ગુજરાતી માધ્યમ અને હિન્દી માધ્યમની સ્કૂલની માન્યતા રદ કરાઈ છે. આ સ્કૂલ સામે અનિયમિતતાની ડીઈઓ કચેરી સમક્ષ ફરિયાદ આવી હતી. જેથી ડીઈઓ કચેરીના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરાતાં બિલ્ડિંગ જર્જરિત હોવાનુ સામે આવ્યું હતુ. વિદ્યાર્થીઓ માટે જોખમી બિલ્ડિંગ હોવાથી સ્કૂલની માન્યતા તાત્કાલિક અસરથી રદ કરવા અંગે ડીઈઓએ નિયામક કચેરીને જાણ કરી હતી અને એ અનુસંધાને નિર્ણય લેવાયો છે. બંન્ને શાળામાં અભ્યાસ કરતાં 138 જેટલા વિદ્યાર્થીઓને નજીકની શાળામાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
શહેરના હાટકેશ્વરની નૂતન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નૂતન ગુજરાતી અને હિન્દી પ્રાથમિક સ્કૂલોની માન્યતા રદ કરવા માટે દરખાસ્ત મળી હતી. જેથી તપાસ માટે જિલ્લા કક્ષાએથી તપાસ સમિતિ નિમવામાં આવી હતી. તપાસ સમિતિ દ્વારા શાળા દ્વારા આચરવામાં આવેલી અનિયમિતતા અને ગેરરિતી સબબ શાળાની માન્યતા રદ કરવા માટે ભલામણ કરી હતી. આ શાળામાં ગુજરાતી માધ્યમના 49 અને હિન્દી માધ્યમના 89 મળી કુલ 138 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાનું મકાન જર્જરીત હોવાથી વિદ્યાર્થીઓના જીવનું જોખમ હોવાનું તારણ પણ તપાસ અહેવાલમાં દર્શાવાયું હતું. તેના આધારે રૂબરૂ હિયરિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં શાળા મંડળ દ્વારા એક અઠવાડીયામાં સ્ટેબીલીટી સર્ટિફિકેટ રજૂ કરવા સુચના અપાઈ હતી, પરંતુ રજૂ કરાયું નહીં. જેથી શાળાની માન્યતા રદ કરવા માટે ભલામણ કરવામાં આવી હતી. આ ભલામણના આધારે પ્રાથણિક શિક્ષણ નિયામક દ્વારા સ્કૂલની માન્યતા રદ કરવા માટે હુકમ કર્યો હતો.


