- સુરેન્દ્રનગરના લખતર પોલીસ સ્ટેશનનો મામલો
- કોન્સ્ટેબલ 50 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો
- મોરબી એસીબીએ છટકું ગોઠવીને કરી કાર્યવાહી
રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં પ્રજાની સુરક્ષાની જવાબદારી જેના માથે હોવાનું કહી શકાય તેવા પોલીસ કોન્સ્ટેબલ જ લાંચ લેવાના આરોપમાં રંગેહાથ ઝડપાઈ ગયા છે. એસીબીએ મોટી કાર્યવાહી કરીને એક લાંચિયા કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો છે.
રાજ્યમાં હાલના દિવસોમાં એસીબી દ્વારા અનેક કાર્યવાહીઓ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરમાં પંચાયત વિભાગના ઉચ્ચ અધિકારી વિરુદ્ધ પણ આવક કરતા વધુ અપ્રમાણસર સંપત્તિના મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે સુરેન્દ્રનગરમાંથી પણ આવી જ એક લાંચની ઘટના સામે આવી છે. અહીં લખતર પોલીસ મથકમાં તૈનાત એવા સરદારસિંહ પરમાર નામના કોન્સ્ટેબલને એસીબી દ્વારા 50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. આ મામલે મોરબી એસીબીએ લખતર પોલીસ મથકે રેઈડ કરી હતી.
આ મામલે વિશેષ જાણકારી અનુસાર એક મારામારી અને દારૂના કેસમાં રાહત આપવા માટે આ કોન્સ્ટેબલે લાંચ માગી હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં આરોપીને રાહત આપવા માટે 50 હજારની લાંચ માગવામાં આવી હતી. જેને લઈને મોરબી એસીબીએ છટકું ગોઠવાયું હતું અને કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. આ મામલે હાલમાં એવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવે છે કે લખતર પીએસઆઈ સહિતના અન્ય પોલીસ કર્મીઓ અને અન્યોના નામ પણ ખુલવાની સંભાવના છે. આ પહેલા પણ પાટડીમાં દારૂનો મુદ્દામાલ લઈ જતાં પોલીસ ઝડપાઈ ગઈ હતી.


