- 2024માં કુલ મતદાન 68 કરોડને સ્પર્શી શકે છે
- જેમાંથી 33 કરોડ મહિલા મતદારો હશે : રિપોર્ટ
- દાયકાઓથી ભારતમાં ચૂંટણીઓમાં મતદાનમાં પુરુષોનું પ્રભુત્વ
ભારતના મતદારોમાં જેન્ડર ગેપ ઘટી રહ્યો છે અને 2024માં થનારી આગામી લોકસભા ચૂંટણીમાં મતદાનમાં અડધોઅડધ સહભાગિતા મહિલા મતદારોની રહેશે, તેમ ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ)ના એક રિપોર્ટમાં જણાવાયું છે. બેંકના ઇકોનોમિક રિસર્ચ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રકાશિત આ રિપોર્ટ મુજબ ભારતમાં રાજકીય ક્ષેત્રે મહિલાઓની વધતી ભાગીદારી છેલ્લા દાયકાની સૌથી નોંધપાત્ર બાબતો પૈકી એક છે. ચૂંટણીઓમાં મહિલા મતદારો હવે પહેલાં કરતાં નોંધપાત્ર રીતે મોટી ભૂમિકા ભજવી રહી છે. રિપોર્ટના અંદાજ પ્રમાણે મતદાનના વર્તમાન દરે કુલ મતદાન આગામી વર્ષ સુધીમાં 68 કરોડને સ્પર્શી શકે છે, જેમાંથી 33 કરોડ મહિલાઓ હોઇ શકે છે. તે સંખ્યા 2029ની ચૂંટણીમાં નોંધાયેલા પુરુષ મતદારોને પાછળ રાખી શકે છે. 2014માં સ્ત્રી અને પુરુષ મતદારો વચ્ચેના જેન્ડર ગેપમાં મહિલાઓની સરખામણીમાં પુરુષો ત્રણ કરોડ જેટલા વધારે હતા. દાયકાઓથી ભારતમાં ચૂંટણીઓમાં મતદાનમાં પુરુષોનું પ્રભુત્વ રહ્યું છે. જોકે ઘણા સમયથી મહિલાઓમાં શિક્ષણનું સ્તર વધવા સાથે રાજકીય પક્ષો મહિલા મતદારોને સવિશેષ ધ્યાનમાં રાખી રહ્યા છે. મહિલા અનામત બિલ, રાંધણગેસ સબસિડી, સસ્તી લોન અને રોકડ સહાય દ્વારા મહિલા મતદારોને રીઝવવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રયાસ ભાજપને ફળ્યો છે. મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સત્તા જાળવી રાખી તેની પાછળનું એક કારણ રાજ્ય સરકારની મહિલા-કેન્દ્રિત કલ્યાણ યોજનાઓ પણ છે.


