- ડુંગળીની નિકાસબંધીના મુદ્દે સરકાર-APMC વચ્ચે બેઠક
- કૃષિમંત્રી રાઘવજી પટેલ અને યાર્ડના ચેરમેનો વચ્ચે થઈ મીટિંગ
- ડુંગળીની નિકાસબંધી દૂર કરવા માટે કેન્દ્રને રજૂઆત કરવાનું આશ્વાસન
હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની વિદેશમાં નિકાસ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે જેના લીધે ઘરેલુ માર્કેટમાં ડુંગળીની આવકનો ભરાવો થઈ રહ્યો છે. સરકારના આ નિર્ણયના પગલે રિટેલ અને હોલસેલ માર્કેટમાં ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાવા પામ્યો છે. હજુ 10 જ દિવસ પહેલા આસમાને પહોંચેલી ડુંગળીની કિંમતો હવે તળિયે ઉતરી હોય એવું જણાઈ રહ્યું છે. સરકારના આ નિકાસ પ્રતિબંધના નિર્ણયનો ડુંગળી પકવતા ખેડૂતોએ ભરપૂર વિરોધ કર્યો છે.
થોડા દિવસો પહેલા ગરીબોની કસ્તૂરી મનાતી ડુંગળીની કિંમતો સેન્સેક્સની જેમ ભરપૂર તેજીમાં હતી. જેનાથી ગૃહિણીઓનું અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું હતું. ડુંગળીની આસમાની કિંમતોનો ભરપૂર વિરોધ થઈ રહ્યો હતો ત્યારે તેમને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે નાફેડ દ્વારા સસ્તા ભાવની ડુંગળીનો જથ્થો માર્કેટમાં ઉપલબ્ધ કરાવ્યો હતો અને તેની ઉપરાંત ડુંગળીની વિદેશમાં નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સરકારના આ નિર્ણયની અસર પણ વર્તાઈ અને ડુંગળીની કિંમતોમાં ઘટાડો થયો. પરંતુ હવે આ ઘટાડો એટલો બધો થઈ ચૂક્યો છે કે ડુંગળી પકવતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવો તો ઠીક પરંતુ ખેતરમાંથી પાક કાઢવાની મજૂરી પણ વસૂલ થતી નથી. આમ ખેડૂતો માટે હાલમાં ડુંગળીનો પાક એ ટોટલ ખોટનો સોદો પુરવાર થઈ રહ્યો છે. જેથી ખેડૂતોએ ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરાવી દીધી છે અને તેઓ સરકારના ડુંગળીની નિકાસનો વિરોધ કરી રહ્યા છે. જેથી આજે સરકાર અને APMCના આગેવાનોની એક મીટિંગ થઈ હતી અને કેન્દ્ર દ્વારા મૂકવામાં આવેલા નિકાસ પ્રતિબંધના મામલે ચર્ચા પણ થઈ હતી.
આ મામલે ગુજરાત સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે આજે રાજકોટ, મહુવા અને ગોંડલ જેવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને આગેવાનોની એક મીટિંગ થઈ હતી. આ મામલે થયેલી મીટિંગમાં અનેક મુદ્દાઓ પર સરકાર સાથે વિસ્તૃતથી ચર્ચા અને છણાવટ થઈ હોવાનું માર્કેટિંગ યાર્ડના આગેવાનોએ જણાવ્યું હતું. આ બેઠક દરમિયાન APMCના આગેવાનોએ સરકારનું એ મુદ્દા પર પણ ધ્યાન દોર્યું હતું કે હાલમાં રાજ્યમાં ડુંગળીનો મબલખ પાક થયો છે અને ગુજરાતના ખેડૂતો ટોટલ લોસના ભોગે ડુંગળીનું ઉત્પાદન અને વેચાણ કરી રહ્યા છે. જેથી આ મુદ્દે તાત્કાલિક કેન્દ્ર સરકારનું ધ્યાન દોરીને નિકાસ પ્રતિબંધમાં રાહત આપવા માટે રજૂઆત કરવા સરકારને વાત કરી હતી.
આ મામલે બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ નિવેદન આપ્યું હતું. તેમના નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના જુદા જુદા માર્કેટિંગ યાર્ડનું પ્રતિનિધિમંડળ મને આજે મળ્યું હતું અને તેમની સાથે ખૂબ લાંબી ચર્ચા વિચારણા થઈ હતી. ત્યારે આ ઉદ્ભવેલી પરિસ્થિતિ અંગે ભારત સરકારના કૃષિ મંત્રી અને ખાતર મંત્રી તેમજ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનું ધ્યાન દોર્યું છે. આ મામલે યાર્ડના પ્રતિનિધિ મંડળ દ્વારા પણ પોતાના નિવેદનમાં જણાવાયું હતું કે સરકાર સાથે લાંબી ચર્ચા વિચારણા થઈ હતી અને આ મુદ્દે કેન્દ્ર સાથે નિકાસબંધી મુદ્દે રાજ્ય સરકાર ચર્ચા કરશે એવું આશ્વાસન અમને મળ્યું છે.


