- ગેરરીતિની ફરિયાદો છતાં બ્લેકલિસ્ટ કરવાની વાતો માત્ર કાગળ પર રહી
- નવા કુલપતિએ પણ વિવાદિત એજન્સીને કામગીરી સોંપી હોવાનો આક્ષેપ
- ટેન્ડર સમયે નક્કી કરેલ ખર્ચ કરતા વધુ રકમ ચુકવાઈ હતી
ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ અને કન્સલ્ટન્ટ એજન્સીની મીલિભગતથી ભ્રષ્ટાચાર થયો હોવાના અનેક વખત વિદ્યાર્થી નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યાં છે. એટલુ જ નહી, કન્સલ્ટન્ટ એજન્સીની ગેરરીતિના કારણે તેને બ્લેક લીસ્ટ કરવાની વાત હતી એ પણ માત્ર કાગળ પર જ રહી ગઈ છે. કારણ કે, આજની સ્થિતિમાં પણ આ વિવાદીત કન્સલ્ટન્ટનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે. નવા કુલપતિ દ્વારા પણ આ વિવાદીત એજન્સીને કામગીરી સોંપવામાં આવી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
સુત્રોના જણાવ્યાં મુજબ, ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ-2015માં નવા બાંધકામમાં ટેન્ડર બહાર પાડવા, ટેન્ડરનો સર્વે કરવો, રિનોવેશન પાછળ કેટલા રૂપિયાનો ખર્ચ થશે તે સહિતની કામગીરી માટે કમિશનના આધારે એજન્સી રોકવામાં આવી હતી. એક બાંધકામમાં રૂ.85 કરોડની કામગીરી સામે રૂ.110 કરોડ ચુકવાયા હોવાનો વિવાદ સામે આવ્યો હતો.
આમ ટેન્ડર સમયે નક્કી કરેલ ખર્ચ કરતા વધુ રકમ ચુકવાઈ હતી. જેને લઈ સિન્ડીકેટ સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને કન્સલ્ટન્ટ કંપનીનો ખુલાસો માંગીને તેને બ્લેક લીસ્ટ કરવાની માંગણી પણ સભ્યો દ્વારા કરવામાં આવી હતી. પરંતુ અગમ્ય કારણોસર હાલમાં આજ કન્સલ્ટન્ટને ફરીવાર કામગીરી સોંપી દેવામાં આવી હોવાનું સૂત્રો કહે છે.


