- મોડી રાતના સમયે આવારા લુખ્ખા તત્ત્વોએ આતંક મચાવતા લોકોમાં રોષ
- હુમલા દરમિયાન મહિલા, યુવતીની છેડતી કરાઇ હોવાની પણ ચર્ચાઓ
- અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવવા સાયલા પોલીસ મથકમાં તજવીજ હાથ ધરાઇ
સાયલાના સુપ્રસિદ્ધ લાલજી મહારાજની જગ્યા મંદિરની બહાર આવેલ ગોપાલ ભુવનમાં બહારથી આવતા ભાવિકો, પદયાત્રીઓ તેમજ યાત્રાળુ સંઘો માટે ઉતારો કરવાની વ્યવસ્થા હોવાથી દરરોજ સેંકડો શ્રદ્ધાળુઓ અહીં રોકાતા હોય છે. શનિવારની રાતે પણ ગોપાલ ભુવનમાં પગપાળા ચોટીલા દર્શન કરી પરત જતા સમયે પાદરાના રાજુપુરા ગામનો સંઘ રોકાયો હતો. મોડી રાતે આવી ચડેલા ત્રણ અજાણ્યા લુખ્ખા તત્વોએ દરેક રૂમના બારણા ખખડાવવા સાથે ખુલ્લા રૂમમાં ઘુસી સુતેલી મહિલાઓ, દિકરીઓની છેડતી કરવા સાથે ઝઘડો કરતા દેકારો થતા સંઘના અન્ય લોકો પણ જાગી જતા ત્રણેય ત્યાંથી ચાલ્યા ગયા હતા. થોડીવાર બાદ આજ ઇસમો અન્ય ત્રણથી ચાર શખ્સો સાથે લાકડીઓ લઇ સીધો હુમલો જ કરતા મહિલા સહિત ત્રણ લોકોને ઇજાઓ થવા પામી હતી. મધરાતે ઉત્પાત મચાવી લુખ્ખાઓ ભાગી ગયા હતા.
અજાણ્યા શખ્સોના હુમલામાં અંકિતાબેન બારીયા તેમના પતી રાજેશભાઇ, પુત્ર તેમજ ભત્રીજાને ઇજાઓ થવા પામી હતી. ઘટના બાદ સાથે રહેલ સંઘના લોકો એ પોલીસ તેમજ 108ને ફોન કરી જાણ કરતા પોલીસ વાન તેમજ એમ્બ્યુલન્સ બનાવ સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સાયલા સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. મંદીર પ્રશાસન દ્વારા પણ રાતે બનેલી ઘટના બાબતે પોલીસ સ્ટેશન પહોંચી ફરીયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઇ હતી. જાણવા મળતી માહીતી મુજબ આ હીચકારી ઘટનામાં ઇજા પામનાર મહીલા અંકિતાબેન બારીયા રાજુપુરા, તા.પાદરાના સરપંચ હોવાનું તેમજ દર પુનમે તેમનો પરીવાર અહીં મંદીરે દર્શનાર્થે આવતો હોવાનું જાણવા મળ્યું છે. અંકિતાબેન દ્વારા આ બાબતે અજાણ્યા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી ભવિષ્યમાં અન્ય કોઇ સાથે આવી બીના ના ઘટે તે માટે પગલાં લેવાની સાયલા પોલીસને લેખીત રજૂઆત કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
લાખો શ્રદ્ધાળુઓના આસ્થા કેન્દ્રમાં પદયાત્રીઓ સાથે બનેલા બનાવ બાદ પોલીસ હરકતમાં આવી હતી અને શકમંદોની તપાસ હાથ ધરાઇ છે. ત્યારે તે સમયે બંદોબસ્તમાં હાજર હોમગાર્ડ જવાનો વિરુદ્ધ પણ તપાસ કરવામાં આવી રહી છે.લુખ્ખા તત્ત્વો દ્વારા કરાયેલ તોફનમાં તેઓ લૂંટના ઈરાદે આવેલા કે અન્ય કોઇ હેતુથી તે તો આરોપીઓ ઝડપાય ત્યારબાદ જ બહાર આવશે. પરંતું ધાર્મીક સ્થાન પર બનેલા બનાવથી ગામના આમ નાગરીકો તેમજ મંદીરના સેવકોમાં રોષ છવાયો હતો.


