- પુતિને ભવિષ્યવાણી કરી છે કે યુક્રેન યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે
- યુક્રેનને પશ્ચિમી મદદ મળવાનું બંધ થઈ જશે ત્યારે રશિયા આ યુદ્ધમાં વિજય બનશે
- યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં રશિયન સેનાની હાલત ઘણી સારી:પુતિન
રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022થી ચાલી રહેલા યુદ્ધને બે વર્ષ પૂર્ણ થવાના છે. હાલમાં UNએ એક ચોંકાવનારો અહેવાલ આપ્યો હતો કે યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાએ તેના 90 ટકા સૈનિકો ગુમાવ્યા છે. જો કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેના વિરુદ્ધ પોતાના દાવાઓ કરે છે. યુક્રેન સાથેના યુદ્ધ બાદ પહેલીવાર પુતિન પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા અને લોકો વચ્ચે દેખાયા હતા. તેમણે દાવો કર્યો હતો કે યુક્રેનને આપવામાં આવતી પશ્ચિમી સહાય સમાપ્ત થવા જઈ રહી છે અને વધુ સહાયની કોઈ શક્યતા નથી. તેથી જ તેઓ યુદ્ધમાં વિજયની ખૂબ નજીક છે. પુતિને ભવિષ્યવાણી કરી છે કે યુક્રેન યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે.
યુદ્ધમાં રશિયન સેનાની હાલત ઘણી સારી
વ્લાદિમીર પુતિન મીડિયા સમક્ષ હાજર થયા અને યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વિશે ખુલીને વાત કરી હતી. લગભગ 20 લાખ લોકોએ પુતિનને પ્રશ્નો મોકલ્યા હતા. પરંતુ પુતિને માત્ર પસંદગીના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. 4 કલાકની મેરેથોન પ્રેસ કોન્ફરન્સમાં પુતિન ખૂબ જ ઉત્સાહિત અને સકારાત્મક દેખાતા હતા. પુતિને દાવો કર્યો છે કે યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં રશિયન સેનાની હાલત ઘણી સારી છે અને તેઓ જીત સાથે આગળ વધી રહ્યા છે.
યુદ્ધમાં યુક્રેનની આગેવાની સંબંધિત એક પ્રશ્નના જવાબમાં પુતિને કહ્યું હતું કે આ પહેલી અને છેલ્લી વાર હતી જ્યારે રશિયન સૈનિકો નાગરિકોને બચાવવા જંગલો તરફ વળ્યા હતા ત્યારે તે લીડ હતી. પુતિને કહ્યું છે કે યુક્રેન ફક્ત પશ્ચિમી દેશોની મદદ માટે આવું કરી રહ્યું છે. યુક્રેન એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે અને તે આ યુદ્ધમાં વધુ સારી સ્થિતિમાં છે જેથી તેને મદદ મળવાનું બંધ ન થાય.
પુતિને વધુમાં કહ્યું હતું કે યુક્રેનમાં આજે કોઈ ઉત્પાદન થઈ રહ્યું નથી. ‘હું જે કહું તે તમને કદાચ યોગ્ય ન લાગે પરંતુ એ સાચું છે કે યુક્રેન તેના લોકો માટે કંઈ કરી રહ્યું નથી. અમે યુક્રેન પર કબજો કરવા માટે નથી લડી રહ્યા. આ લડાઈ આપણા સાર્વભૌમત્વને બચાવવા માટે છે કારણ કે, જો આપણે અટકાવીએ તો આપણો દેશ ટકી શકશે નહીં. પુતિને કહ્યું કે યુક્રેન યુદ્ધની શરૂઆતથી આપણા દેશની અર્થવ્યવસ્થા નબળી પડી નથી. આપણે જરાય ખોટમાં નથી.
યુક્રેનમાં સૈનિકોના મોત પર પુતિને શું કહ્યું?
પુતિનને યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયન સૈનિકો વિશે પૂછવામાં આવ્યું હતું. પુતિને કહ્યું કે હાલમાં 6 લાખ 17 હજાર સૈનિક યુક્રેનના વિવિધ વિસ્તારોમાં લડી રહ્યા છે. આ લગભગ બે વર્ષમાં અમે ત્રણ લાખ સૈનિકોની ભરતી કરી છે. જ્યારે ચાર લાખથી વધુ યુવાનોએ સ્વેચ્છાએ કોન્ટ્રાક્ટ મિલિટરી માટે અરજી કરી હતી. પુતિને જો કે એ પ્રશ્નનો જવાબ આપ્યો નથી કે યુક્રેન સાથેના યુદ્ધમાં તેમના કેટલા સૈનિકો માર્યા ગયા છે. કારણ કે યુએનના હાલનાં અહેવાલમાં રશિયામાં ખળભળાટ મચી ગયો છે કે યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાએ તેના 90 ટકા સૈનિકો ગુમાવ્યા છે.
યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે
પુતિને કહ્યું હતું કે અમે જીતની ખૂબ નજીક છીએ. અમારી લડાઈ યુક્રેનના તટસ્થ વલણ સામે છે. જ્યારે યુક્રેનને પશ્ચિમી મદદ મળવાનું બંધ થઈ જશે ત્યારે રશિયા આ યુદ્ધમાં વિજય સાથે તેનો ઉદ્દેશ્ય હાંસલ કરશે. સરકારના ખોટા નિર્ણયોને કારણે હાલમાં યુક્રેનમાં કોઈ ઉત્પાદન થઈ રહ્યું નથી. ત્યાંના લોકો દરેક બાબત માટે પશ્ચિમી દેશો પર આધાર રાખે છે. આ અત્યંત જોખમી છે.


