- કડજોદરા ગામે બે લોકો પર દીપડાનો હુમલો
- વન વિભાગની ટીમે શોધખોળ હાથ ધરી
- દીપડો આવી ચઢતા લોકોમાં ભયનો માહોલ
રાજ્યના પાટનગર નજીક દહેગામ તાલુકામાં આદમખોર દીપડાનો આતંક જોવા મળ્યો છે. દહેગામ તાલુકમાં દીપડાએ છ લોકોને ઘાયલ કરતાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. કડજોદરા ગામમાં દીપડો આફત બન્યો છે. હુમલો કરી દીપડો પાસે આવેલા ખેતરમાં સંતાયો હોવાનું કહેવાઇ રહ્યું છે.
છેલ્લા કેટલાક દિવસથી અહીં દીપડાના આંટાફેરા વધી ગયા હતા. ગ્રામજનોએ વન વિભાગને આ મુદ્દે જાણ કરી છે. વન વિભાગની ટીમે પણ દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી છે. આ માટે પાંજરા મૂકવામાં આવ્યા છે. હુમલો કરી દિપડો એરંડાના ખેતરોમાં છુપાયો હોવાની માહિતી ગ્રામજનો આપી હતી.
દીપડાએ 6 લોકો પર હુમલો કરતા દેહગામ તાલુકાના ગામડામાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડો હજુ સુધી વન વિભાગની ટીમની પહોંચથી દૂર હોવાથી આ પંથકના લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યાં છે. ઘટનાને પગલે વન વિભાગની ટીમ દોડી આવી હતી અને ગ્રામજનો પાસેથી માહિતી મેળવી દીપડાને પાંજરે પુરવા કવાયત શરૂ કરી છે.
બીજી બાજુ, સાબરકાંઠામાં પણ દીપડાનો આંતક સામે આવ્યો છે. મોઢુકા ગામમાં દીપડાના આંતકથી લોકોમાં ભયનો માહોલ છે. ગામમાં દીપડાએ દેખા દેતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. જેથી ગ્રામજનો અને વન વિભાગે દીપડાનું રેસ્ક્યૂ કર્યું હતું. પરંતુ રેસ્ક્યૂ દરમિયાન દીપડો ઘાયલ થતાં તેને સારવાર માટે કામઘેનુ યુનિવર્સિટીમાં ખસેડવામાં આવ્યો હતો.


