- મટિરિયલથી લઈને વિતરણ સુધીના તમામ પાસા ફંફોસી નાંખીશું : એલસીબી
- પ્રકાશ નડિયાદ જીઆઈડીસીમાં ફેક્ટરી ભાડે રાખી જીવલેણ કેમિકલ બનાવતો હતો
- કોર્ટે પ્રકાશના 8 દિવસના તા.30મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે
નડિયાદ જીઆઈડીસીમાં ભાડેથી ફેકટરી રાખી નકલી તાડી માટેનું જીવલેણ કેમિકલ બનાવતા મુંબઈના પ્રકાશને આણંદ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટ આધારે ખેડા એલસીબી નડિયાદ લઈ આવી છે. અને આ પ્રકરણમાં રો મટીરીયલ ક્યાંથી લાવ્યો થી માંડીને તૈયાર થયેલ કેમિકલ, તેના સાથીદારો સુધીના તમામ પાસાઓની ઊંડાણપૂર્વકની તપાસ માટે એલસીબીએ પ્રકાશને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માંગતા કોર્ટે 30મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
નડિયાદ કમળા રોડ પર આવેલ જીઆઈડીસીમાં સી-3-10માં રુદ્ર એન્ટરપ્રાઈઝ ફેકટરીમાં પ્રકાશ ઉર્ફે પપ્પુ જેઠા ગોપવાણી (રહે.મુંબઈ) નકલી તાડી માટેનું જીવલેણ ક્લોરલ હાઈડ્રેટ કેમિકલ બનાવતો હોઈ ખેડા નડિયાદ એસઓજી પોલીસે દરોડા પાડી રુ. 24.86 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. જો કે આણંદ પોલીસે પ્રકાશને ઝડપ્યો હોઈ અને રિમાન્ડ દરમિયાન તેણે ફેકટરી કબુલી હોઈ પ્રકાશના આણંદથી રિમાન્ડ પૂરા થતાં આજરોજ ખેડા એલસીબીએ તેને ટ્રાન્સફર વોરંટથી નડિયાદ લાવી હતી અને કોર્ટમાં રજુ કર્યો હતો. આ પ્રકરણની તપાસ કરી રહેલ એલસીબી પીઆઈ કેવલ વેકરીયાએ જણાવ્યું હતું કે આ પ્રકરણમાં પ્રકાશ રો મટીરીયલ ક્યાંથી લાવતો હતો, તૈયાર કરેલ કેમિકલ કોને કોને વેચતો હતો, તેની સાથે તેના અન્ય સાથીદારો છે કે કેમ, તે આ સિવાય બીજું કોઈ કેમિકલ પણ બનાવી રહ્યો છે કે કેમ, તેના જીએસટીના બિલો, અન્ય દસ્તાવેજી કાગળીયા વગેરે તમામ બાબતોની ઝીણવટપૂર્વકની તપાસ કરવા માટે કોર્ટમાં રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે પ્રકાશના 8 દિવસના તા.30મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
એલસીબી પ્રકાશ ગોપવાણીને આણંદથી ટ્રાન્સફર વોરંટથી નડિયાદ લાવી
બનાવતો હોવાનુ સામે આવ્યું હતું. જેથી આણંદ પોલીસે પ્રકાશ ઉર્ફે પપ્પુની અટક કરી તેના રિમાન્ડ મેળવતા કોર્ટે 21મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન ખેડા એસઓજીએ રુદ્ર એન્ટરપ્રાઈઝમાં દરોડા પાડયા હતા. જેમાં પ્રકાશ ક્લોરલ પાવડરમાંથી ક્લોરલ હાઈડ્રેટ પાવડર બનાવી તેને અન્ય કેમીકલના નામે પરવાના વગર ઉત્પાદન કરી રહ્યો હોવાનું સામે આવતા પોલીસે રો મટીરીયલ, ફાઈનલ પ્રોડક્ટ સાથે કુલ રુ.24.86 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો. આ મામલાની તપાસ કરી રહેલ એલસીબી પોલીસે જણાવ્યું હતું કે આજરોજ ફેકટરીને સીલ કરવામાં આવી છે, મુદ્દામાલ એફએસએલમાં મોકલવામાં આવ્યો છે, અને મજુરોના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ છે. આવતીકાલે તા.21મીના રોજ ટ્રાન્સફર વોરંટથી પ્રકાશને નડિયાદ લાવી આ પ્રકરણમાં વધુ કેટલા જોડાયેલા છે તેની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવશે.


