- ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુએ હમાસને ફેંક્યો પડકાર
- ગાઝામાં ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત થવાનું નથી: નેતન્યાહુ
- આવનારા દિવસોમાં આ લડત વધુ ઉગ્ર બનશે: નેતન્યાહુ
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે, ગાઝામાં ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત થવાનું નથી, હજુ ઘણો સમય વીતી જશે. આ સાથે તેમણે મીડિયામાં ચાલી રહેલી અટકળોને ફગાવી દીધી હતી કે તેમની સરકાર હમાસ સામેની લડાઈ રોકવાનો નિર્ણય લઈ શકે છે.
મળતી માહિતી મુજબ PM નેતન્યાહૂએ કહ્યું કે, અમે યુદ્ધ માટે કોઇ પણ હદ વટાવીશું, કોઇ અમને અટકાવી નહીં શકે. અમે લડત ચાલુ રાખીશું અને આવનારા દિવસોમાં આ લડત વધુ ઉગ્ર બનશે. આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે અને જલ્દી સમાપ્ત થવાનું નથી. નેતન્યાહુનું આ વલણ દર્શાવે છે કે ઇઝરાયેલ હમાસને ખતમ કર્યા વિના અટકવાનું નથી.
ગાઝામાં અત્યારે આવી જ સ્થિતિ છે
ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે 7 ઓક્ટોબરથી ગાઝા પર ઈઝરાયેલના હુમલામાં 20,674 લોકોના મોત થયા છે અને 54,536 લોકો ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર છેલ્લા 24 કલાકમાં 250 પેલેસ્ટાઈનના મોત થયા છે અને 500 ઘાયલ થયા છે.
ઈઝરાયેલના વિદેશ મંત્રીએ શું કહ્યું?
ઇઝરાયલના વિદેશ મંત્રી એલી કોહેને સંયુક્ત રાષ્ટ્ર પર દંભનો આરોપ લગાવ્યો છે અને યુદ્ધ અંગે તેની પ્રતિક્રિયાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે મેં મારા મંત્રાલયને સંયુક્ત રાષ્ટ્રના કર્મચારીના એન્ટ્રી વિઝાને ન વધારવાની સૂચના આપી છે. તેમણે કહ્યું કે આ સિવાય અન્ય કર્મચારીને દેશમાં ન આવવાની સૂચના આપવામાં આવી છે. અમે તે લોકો સાથે કામ કરવાનું બંધ કરીશું જેઓ આતંકવાદી સંગઠન હમાસને તેના પ્રચારમાં સમર્થન આપી રહ્યા છે. બીજી તરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કહ્યું છે કે યુદ્ધને કારણે ભૂખમરો વધશે.


