- ગાઝામાં લડાઈ ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ
- યુદ્ધ અમારી પાસેથી ખૂબ જ ભારે કિંમત વસૂલ કરી રહ્યું છે:નેતન્યાહુ
- હમાસનો ખાત્મો ન થાય ત્યાં સુધી યુદ્ધની હાકલનો પુનરોચ્ચાર કર્યો
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે ગાઝામાં લડાઈ ચાલુ રહેશે. નેતન્યાહુએ રવિવારે હમાસનો ખાત્મો ન થાય ત્યાં સુધી યુદ્ધની હાકલનો પુનરોચ્ચાર કર્યો હતો. નેતન્યાહૂનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશનમાં સૌથી વધુ ઈઝરાયેલ સૈનિકોના મોત થયા છે. ઇઝરાયેલી સેનાએ જણાવ્યું હતું કે તેના 10 સૈનિકો શનિવારે અને 5 શુક્રવારે માર્યા ગયા હતા જે નવેમ્બરની શરૂઆતથી બે દિવસમાં લડાયક મૃત્યુની સૌથી વધુ સંખ્યા છે.
ગાઝામાં લડાઈ ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. નેતન્યાહુએ રવિવારે કેબિનેટની બેઠકમાં કહ્યું હતું કે, યુદ્ધ અમારી પાસેથી ખૂબ જ ભારે કિંમત વસૂલ કરી રહ્યું છે પરંતુ અમારી પાસે લડાઈ ચાલુ રાખવા સિવાય કોઈ વિકલ્પ નથી. અમે હમાસ પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી અમે ગાઝામાં લડીશું. અમારું લક્ષ્ય હાંસલ કરતા પહેલા અમે પાછળ હટીશું નહીં. તે જ સમયે, ઇઝરાયેલી સેનાના પ્રવક્તાએ કહ્યું છે કે તેઓએ ઉત્તરી ગાઝા અને દક્ષિણ ગાઝામાં તેમની સૈન્ય કાર્યવાહીનો વિસ્તાર કર્યો છે પરંતુ હજુ પણ લડાઈ ચાલુ છે. ઈઝરાયેલની સેનાએ સ્વીકાર્યું છે કે આ ઓપરેશન મુશ્કેલ અને લાંબુ થવાનું છે.
કૈરોમાં હમાસ અને પીઆઈજે સાથે વાતચીત ચાલુ
ઈઝરાયેલે કહ્યું છે કે યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે જ્યારે કેરોમાં પણ યુદ્ધવિરામ પર વાતચીત ચાલી રહી છે. હમાસની સાથે આતંકવાદી જૂથ ઇસ્લામિક જેહાદ, PIJ પણ કૈરોમાં મંત્રણામાં જોડાયું છે. ઇસ્લામિક જેહાદના નિર્વાસિત નેતા ઝિયાદ અલ-નખલાલા અને હમાસના વડા ઇસ્માઇલ હનીયેહે વાટાઘાટોમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં ગાઝામાં લડાઈ રોકવા અંગે ચર્ચા થઈ હતી.
જો કે, ઇસ્લામિક જેહાદ હમાસ કરતા નાનું છે. તેનો પ્રભાવ ગાઝામાં હમાસ જેવો નથી પરંતુ ઈઝરાયેલ તેને બંધક બનાવી રહ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ચર્ચામાં એ વાત સામે આવી છે કે હમાસ અને પીઆઈજેએ લડાઈને સંપૂર્ણપણે બંધ કરવાની શરત રાખી છે. આ સંગઠનોએ જણાવ્યું છે કે જ્યાં સુધી ઈઝરાયેલ ગાઝામાં તેનું યુદ્ધ સમાપ્ત ન કરે ત્યાં સુધી તેઓ બંધકોને મુક્ત કરવા અંગે કોઈ ચર્ચા નહીં કરે. ઇઝરાયેલ બંધકોને મુક્ત કરવાના બદલામાં અસ્થાયી યુદ્ધવિરામનો આગ્રહ કરી રહ્યું છે. બંને પક્ષો હજુ સુધી કોઈ ઉકેલ પર પહોંચ્યા નથી પરંતુ સકારાત્મક બાબત એ છે કે બંને પક્ષો મંત્રણામાંથી દૂર નથી ગયા.


