- સુપ્રીમ કોર્ટમાં ક્રિસમસની ઉજવણીના અવસર પર CJIએ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી.
- CJIએ કહ્યું કે જે લોકો આપણા માટે સરહદ પર તૈનાત છે તેમને આપણે ભૂલવા ન જોઈએ.
- CJI ચંદ્રચુડે પૂંછ હુમલાના શહીદોને યાદ કર્યા
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે સોમવારે સશસ્ત્ર દળોની પ્રશંસા કરી હતી અને ગયા અઠવાડિયે જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓ દ્વારા ઓચિંતા હુમલામાં શહીદ થયેલા ભારતીય સેનાના ચાર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. સુપ્રીમ કોર્ટમાં ક્રિસમસની ઉજવણીમાં બોલતા જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, ‘અમે બધું બલિદાન આપી દઈશું, પછી ભલે તે આપણું જીવન કેમ ન હોય, જેમ કે આપણા સશસ્ત્ર દળોના ઘણા લોકો રાષ્ટ્રની સેવામાં કરે છે. અમે બે દિવસ પહેલા (પુંછ એન્કાઉન્ટરમાં) અમારા સશસ્ત્ર દળોના ચાર સભ્યો ગુમાવ્યા. આપણે વારે તહેવારે તેમની કુરબાની યાદ કરવી રહી કેમકે તેઓ સરહદ પર છે તો આપણે સુરક્ષિત છીએ. તેમની આવી કુરબાની એળે ન જવી જોઇએ.
આપણે તે લોકોને ભૂલીએ નહી જેઓ સરહદો પર છે
CJIએ કહ્યું, ‘તેથી, જેમ આપણે ક્રિસમસની ઉજવણી કરીએ છીએ, ચાલો આપણે તે લોકોને ભૂલીએ નહી જેઓ સરહદો પર છે અને આપણા દેશની સુરક્ષા માટે પોતાનો જીવ આપી રહ્યા છે.’ CJI ચંદ્રચુડનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે સોમવારે રાજૌરી સેક્ટરની મુલાકાતે છે. સમગ્ર દેશમાં 4 જવાનોના શહીદ થવાથી ગમગીની છે. ગયા અઠવાડિયે ગુરુવારે, રાજૌરી સેક્ટરમાં થાનંદી નજીક ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ દ્વારા બે વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં સેનાના ચાર જવાન શહીદ થયા હતા જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા હતા.
રાજૌરીમાં પુષ્પાંજલિ અર્પણ સમારોહમાં અશૃભીની આંખે વિદાય
દરમિયાન, ચાર શહીદ સૈનિકો, નાઈક બિરેન્દ્ર સિંહ, રાઈફલમેન ગૌતમ કુમાર, નાઈક કરણ કુમાર અને રાઈફલમેન ચંદન કુમારને રવિવારે રાજૌરીમાં પુષ્પાંજલિ અર્પણ સમારોહમાં વિદાય આપવામાં આવી હતી. પુંછ-રાજૌરી સેક્ટર 16 કોર્પ્સની જવાબદારી છે, જેની કમાન્ડ નિયમિતપણે બદલાતી રહે છે. કારણ કે વર્તમાન લેફ્ટનન્ટ જનરલ સંદીપ જૈન લેફ્ટનન્ટ જનરલ નવીન સચદેવને કમાન સોંપી રહ્યા છે. આર્મી ચીફ આ વિસ્તારમાં ચાલી રહેલી આતંકવાદ વિરોધી કામગીરીની સમીક્ષા કરશે.


