- વડોદરામાં વકીલોની હડતાલ મુદ્દે HC-જિલ્લા જજ સામે આક્ષેપો કરેલા
- વકીલોની હડતાલનો વિવાદ ન ઉકલે ત્યાં સુધી રજા પર ઊતરી ગયા હતા
- જયુડીશીયલ ઓફ્સિરના વર્તનને યોગ્ય ગણાવાયુ ન હતું તેને યથાર્થ ઠરાવ્યો હતો
વર્ષ 2013માં ગુજરાત હાઇકોર્ટના વહીવટી જજ અને વડોદરાના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજને અસંયમિત ભાષા પ્રયોગ કરતો પત્ર મોકલ્યા બાદ અનઅધિકૃત રીતે રજા પર ઉતરી ગયેલા વડોદરાના મેજિસ્ટ્રેટ નીલેશભાઇ ખુશાલભાઇ ચૌહાણને બરતરફ્ કરવા અંગેના હાઇકોર્ટ અને રાજય સરકારના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે બહાલ રાખ્યો છે અને કસૂરવાર મેજિસ્ટ્રેટની અરજી ફ્ગાવી દીધી હતી. હાઈકોર્ટની ખંડપીઠે અરજદાર મેજિસ્ટ્રેટને કોઇપણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કરીને ગંભીર રીતે નોંધ્યું હતું કે, સામાન્ય કર્મચારીઓની અનઅધિકૃત ગેરહાજરીને અલગ ધોરણોથી જોવામા આવે છે પરંતુ એક ન્યાયિક અધિકારીના કિસ્સામાં આ જ ધોરણો કે વલણ લાગુ પડી શકે નહી કે જેઓ તેમની કોઇ ચોક્કસ સમસ્યાનું નિરાકરણ નહી આવે ત્યાં સુધી તેઓ કામ પર આવશે નહી તેવો પત્ર પાઠવીને રજા પર ઉતરી ગયા હોય. હાઇકોર્ટે આ મેજિસ્ટ્રેટની હકાલપટ્ટીના નિર્ણયને બહાલ રાખ્યો હતો અને જણાવ્યું હતું કે, હાઇકોર્ટનો રિપોર્ટ કે જેમાં આ જયુડીશીયલ ઓફ્સિરના વર્તનને યોગ્ય ગણાવાયુ ન હતું તેને યથાર્થ ઠરાવ્યો હતો. બરતરફ્ કરાયેલા મેજિસ્ટ્રેટ નીલેશ ચૌહાણ કે જેઓ તા.13-5-2013થી તા.11-7-2013 સુધી અનઅધિકૃત રજા પર ઉતરી ગયા હતા, તેઓ તા.24-4-2013થી તા.10-5-2013 સુધી પેઇડ લીવ પર હતા એ દરમ્યાન વડોદરાના વકીલોની અચાનક હડતાળ મુદ્દે તેમણે વડોદરાના જિલ્લા મુખ્ય ન્યાયાધીશનું ધ્યાન દોર્યું હતું. તેમણે જિલ્લા મુખ્ય ન્યાયાધીશ અને હાઇકોર્ટના વહીવટી ન્યાયાધીશને અસંયમીત ભાષાનો પ્રયોગ કરતો પત્ર લખ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે, વિરોધ કરી રહેલા વકીલો જેવા તત્વોના કારણે સમગ્ર ન્યાયિક પ્રણાલિ ગંભીર સડાનો સામનો કરી રહી છે. પત્રમાં એવો આરોપ લગાવાયો હતો કે, પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ અને હાઇકોર્ટના વહીવટી જજ સીધી અથવા તો આડકતરી રીતે આવા તત્વોને પ્રોત્સાહન આપી રહ્યા છે અને તેના કારણે જયુડીશીયલ સીસ્ટમનું અધઃપતન થઇ રહ્યું છે.


