- ફ્રેન્ચ પ્રમુખ ઇમેન્યુએલ મેક્રોં ભારતના 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના મુખ્ય અતિથિ
- જોકે ત્રણેય દેશોના વડા ઘરેલુ વ્યસ્તતાને કારણે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં આવી શકે તેમ નહોતા
- ગત વર્ષે ઇજિપ્તના રાષ્ટ્રપ્રમુખ અબ્દેલ ફતહ અલ-સીસી પ્રજાસત્તાક દિન સમારોહના મુખ્ય અતિથિપદે ઉપસ્થિત રહ્યા હતા
ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુએલ મેક્રોં 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણીના મુખ્ય મહેમાન રહેશે. તેમના આ ભારતપ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે 26 રાફેલ વિમાનો માટેની તથા ફ્રાન્સ પાસેથી ટેક્નોલોજી ટ્રાન્સફર દ્વારા ભારતમાં ત્રણ સબમરિનના નિર્માણ માટેની ડીલ પર સહીસિક્કા થઇ શકે છે. ભારત-ફ્રાન્સ સંરક્ષણ-ઔદ્યોગિક સહકાર માટેની રૂપરેખા અપનાવે તેવી પણ ધારણા છે. નવી દિલ્હી અને પેરિસ એડવાન્સ્ડ ડિફેન્સ ટેક્નોલોજીઓની ડિઝાઇન, ડેવલપમેન્ટ, ટેસ્ટિંગ અને મેન્યુફેક્ચરિંગમાં ભાગીદારી દ્વારા સંરક્ષણ સહકાર વધારવા આતુર છે. ભારતપ્રવાસમાં મેક્રોં કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિનની પરેડ નિહાળવા ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠકો પણ કરશે. તેઓ આ વર્ષે સપ્ટેમ્બરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલી જી20 શિખર બેઠક માટે પણ ભારત આવ્યા હતા જ્યારે વડાપ્રધાન મોદી ગત 14 જુલાઇએ પેરિસમાં બેસ્ટિલ ડે પરેડમાં વિશેષ સન્માનિત અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. છઠ્ઠી વખત એવું બનશે કે જ્યારે ફ્રાન્સના કોઇ નેતા પ્રજાસત્તાક દિનની ઉજવણીના મુખ્ય અતિથિ રહેશે. ભારતે અગાઉ 2024ના પ્રજાસત્તાક દિન સમારોહ માટે ત્રણેય ક્વાડ દેશો- અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાને આમંત્રિત કરવામાં રસ દાખવ્યો હતો. ચોથી ક્વાડ શિખર બેઠક પણ 2024માં ભારતમાં યોજાવાની છે. જોકે ત્રણેય દેશોના વડા ઘરેલુ વ્યસ્તતાને કારણે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં આવી શકે તેમ નહોતા. ગત વર્ષે ઇજિપ્તના રાષ્ટ્રપ્રમુખ અબ્દેલ ફતહ અલ-સીસી પ્રજાસત્તાક દિન સમારોહના મુખ્ય અતિથિપદે ઉપસ્થિત રહ્યા હતા.


