- બેરૂતની દક્ષિણે થયેલ એક વિસ્ફોટમાં સાલેહ અરોરીનું મોત
- સાલેહ અરોરી હમાસના રાજકીય બ્યુરોનો નાયબ વડો હતો
- 2015માં અમેરિકાએ જાહેર કર્યો હતો વૈશ્વિક આતંકવાદી
હમાસના ટોચના અધિકારી સાલેહ અરોરીનું મોત થયું છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેની લડાઈ વચ્ચે, એક વિદેશી મીડિયા હાઉસે જણાવ્યું છે કે બેરૂતની દક્ષિણે થયેલ એક વિસ્ફોટમાં સાલેહ અરોરીનું મોત થયું છે. મીડિયા અહેવાલ મુજબ, સાલેહ અરોરી દક્ષિણી બેરૂતમાં ડ્રોન હુમલાના નિશાને હતા.
મીડિયા અહેવાલ મુજબ, સાલેહ અરોરી હમાસના રાજકીય બ્યુરોના નાયબ વડા હતા અને પેલેસ્ટિનિયન જૂથની સશસ્ત્ર પાંખ કાસમ બ્રિગેડના સ્થાપકોમાંના એક હતા. તેમનો જન્મ 1966માં અધિકૃત પશ્ચિમ કાંઠે રામલ્લાહમાં થયો હતો. ઇઝરાયેલની જેલમાં 15 વર્ષ વિતાવ્યા બાદ સાલેહ અરોરી લાંબા સમયથી લેબનોનમાં નિર્વાસિત જીવન જીવી રહ્યા હતા.
ગયા વર્ષે ઓક્ટોબરમાં ઇઝરાયેલની સેનાએ રામલ્લાહ નજીક આવેલું તેનું ઘર તોડી પાડ્યું હતું. અમેરિકન સરકારે તેને 2015 માં વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો અને તેના અંગે માહિતી આપનારને 5 મિલિયન ડોલરનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી.


