- તિસ્તા સેતલવાડ સામે 2006માં ખોટા પુરાવા ઊભા કરવા સહિતના ગુના લાગેલા
- તિસ્તા સામેની ફરિયાદ રદ કરવા કે રાહત આપવાની કોર્ટે અનિચ્છા જાહેર કરી
- ગોધરાકાંડ બાદ ગુજરાતભરમાં ફટી નીકળેલો કોમી તોફનો બાદ પાંડરવાડા સામૂહિક કબર ખોદવાના પ્રકરણમાં
મુંબઇની સોશિયલ જસ્ટિસ એન્ડ પીસ સંસ્થાના સેક્રેટરી તિસ્તા સેતલવાડ વિરૂદ્ધ 2006માં દાખલ થયેલી FIR રદ કરવાનો ગુજરાત હાઇકોર્ટે આજે સાફ્ ઇનકાર કરી દીધો હતો. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, અદાલત તિસ્તા વિરૂદ્ધની ફરીયાદ રદ કરવા ઇચ્છતી નથી કે અદાલત આ કેસમાં તિસ્તા સેતલવાડને કોઇ રાહત આપવા પણ માંગતી નથી.
કેસની સુનાવણી દરમ્યાન કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, કેસના રેકર્ડની તપાસ કર્યા બાદ અદાલત તેનો અભિપ્રાય સ્પષ્ટ કરે છે કે, તે પ્રથમદર્શનીય રીતે આ કેસમાં અરજદાર તિસ્તા સેતલવાડને રાહત આપવાના મતમાં નથી. જેથી તિસ્તાના વકીલે જણાવ્યું હતુ કે, તેઓ આ મામલે અદાલતને સમજાવવાનો પ્રયાસ કરશે કે અરજદાર દ્વારા કોઇ ગુનો કરવામાં આવ્યો નથી અને કેસની એફ્આઇઆરમાં પણ કંઇ છે જ નહી. અરજદાર માત્ર રાજકીય શિકાર છે. જેથી હાઇકોર્ટે તરત જ વળતી ટિપ્પણી કરી હતી કે, આ એક ચિલાચાલુ શબ્દ છે, જેનો આજકાલ ઉપયોગ થઇ રહ્યો છે. ગુજરાતમાં કોમી રમખાણો બાદ વર્ષ 2006માં મહીસાગર જિલ્લાના પાંડરવાડા ખાતે સામૂહિક કબર ખોદવાના કેસમાં તિસ્તા શેતલવાડ વિરુદ્ધ બહુ ગંભીર આરોપ લગાવતી ફરીયાદ દાખલ થઇ હતી. જેમાં તિસ્તા સેતલવાડ દ્વારા વર્ષ 2002ના ગુજરાતના તોફનોના પીડિતોના મૃતદેહોને કથિત રીતે પાંડરવાડાની સામૂહિક કબરોને ખોદી બહાર કાઢી તેમ જ તેને ઇલેક્ટ્રોનિક મીડિયા સમક્ષ પ્રદર્શિત કરી સનસનાટી ફેલાવવા બદલ અને શાંતિપૂર્ણ વાતાવરણ ડહોળવાના પ્રયાસ સહિતના આરોપ લગાવવામાં આવ્યા હતા. તિસ્તા તરફ્થી પોતાની વિરૂધ્ધની ફરીયાદ રદબાતલ ઠરાવવા કરાયેલી કવોશિંગ પિટિશનમાં એવો બચાવ કરાયો હતો કે, રમખાણગ્રસ્ત પીડિતોની ફરીયાદને પગલે વિવાદીત જગ્યાએથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા કારણ કે, તેમના નજીકના લોકોના મૃતદેહોનો ધાર્મિક વિધિઓનું યોગ્ય રીતે પાલન કર્યા વિના જ તેની દફ્નવિધિ કરી દેવાઇ હતી, તેથી તે બહાર કઢાયા હતા. જો કે, કોર્ટે તિસ્તાને સાફ્ શબ્દોમાં સુણાવ્યું હતું કે, આવા મરેલા ઘોડાઓને કયાં ખેંચવાની જરૂર છે? હાઇકોર્ટે સવાલ કર્યો કે, આ સમગ્ર મામલો કયારે બહાર આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર પ્રકરણનો ત્યારે પર્દાફશ થયો હતો કે, જયારે તિસ્તાના સાથી રહેમાન ખાન તેનાથી અલગ પડયા ત્યારે તેણે જ આરોપ લગાવ્યો હતો કે, તિસ્તા શેતલવાડે જ તેઓને કબરો ખોદી કાઢવા અને મૃતદેહો બહાર કાઢવાના આદેશો આપ્યા હતા.
પાંડરવાડાનો ચકચારભર્યો કેસ શું હતો
ગોધરાકાંડ બાદ રાજયભરમાં ફટી નીકળેલી કોમી હિંસા દરમ્યાન માર્યા ગયેલા મૃતકોના પંચમહાલ જિલ્લાના પાંડરવાડા ખાતે કબરોમાં દાટી દેવાયેલા 28 મૃતદેહો ડિસેમ્બર-2005માં સામૂહિક રીતે ખોદીને બહાર કાઢવામાં આવ્યા હતા એ મીડિયા સમક્ષ તેનું ખુલ્લેઆમ પ્રદર્શન કરી બહુ મોટો વિવાદ જગાવવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં ગુજરાત પોલીસે તિસ્તા શેતલવાડ વિરૂધ્ધ આઇપીસીની કલમ-192, 193(ખોટા પુરાવા ઉભા કરવા બદલ), 201 (પુરાવાનો નાશ કરવો), 120(બી)(ગુનાહિત ષડયંત્ર-કાવતરું), 295-એ(ધાર્મિક લાભ ખાટવા ધાર્મિક દુર્ભાવના પેદા કરી લોકોની ધાર્મિક લાગણી ભડકાવી બદઇરાદો પાર પાડવો), 114 અને 297 (અબેટમેન્ટ અને દફ્નવિધિની જમીન પર ગેરકાયદે પ્રવેશ) સહિતની ગંભીર કલમો હેઠળની ફરીયાદ 2006માં દાખલ કરવામાં આવી હતી.


